ઉમેદવારીપત્ર:રાધનપુર વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ સેવાના શપથ સાથે ઉમેદવારી નોંધાવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકતૉઓ, સમર્થકો સાથે રાધનપુર મતવિસ્તારના મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પૈકી 16 રાધનપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા સીટિંગ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈને રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે રાધનપુર પંથકના આગેવાનો,કાર્યકરો અને તેઓના સમર્થકોમાં અનેરો ઉત્સાહ અને ખુશી વ્યાપી જવા પામી છે.

16 રાધનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈએ ગુરૂવારના રોજ ઉમેદવારી પત્ર રજૂ કરવાના અંતિમ દિવસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને વિશાળ સમર્થકો ની હાજરીમાં રાધનપુર પ્રાંત કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

રાધનપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ ઉપસ્થિત મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાધનપુર મતવિસ્તારના લોકોની સેવા કરવાનો મોકો છેલ્લા ત્રણ વર્ષથી પ્રાપ્ત થયો છે. ત્યારે આગામી પાંચ વર્ષ માટે પણ રાધનપુર પંથકની પ્રજાની સેવા કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ તેઓની પુનઃ પસંદગી કરી છે. ત્યારે વિજય વિશ્વાસ સાથે રાધનપુર મતવિસ્તારની પ્રજા તેઓને જંગી બહુમતીથી વિજેતા બનાવી આ વિસ્તારમાં મુખ્ય એવી શિક્ષણ અને આરોગ્યની સેવા ઉપલબ્ધ બને તેવા પ્રયાસો પોતાના રહેશે તેમ જણાવી પંથકના વિકાસ કામો સાથે પાણીનાં પ્રશ્ને પોતે કટીબદ્ધ હોવાનું જણાવી ગુજરાતમાં આગામી કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે ત્યારે રાધનપુર મતવિસ્તારના લોકો પણ રાધનપુર નો પંજો ગુજરાતની બની રહેલી કોંગ્રેસ સરકારમાં સહભાગી બને તે માટે ઉપસ્થિત સૌના આશીર્વાદ મેળવ્યા હતા.

ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આયોજિત જાહેર જંગી સભાને પણ રઘુભાઈ દેસાઈ સહિત ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના આગેવાનોએ સંબોધિત કરી રાધનપુર વિધાનસભા બેઠક સહિત ઉત્તર ગુજરાતની તમામ બેઠકો પર કોંગ્રેસનો પંજો છવાય તે માટે વિશાળ માત્રામાં મતદાન કરવા અને કોંગ્રેસની સરકાર બને તેમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...