પાટણમાં બિલ્ડર અને દલાલે ગ્રાહકને પ્લોટ અને મકાનના રૂપિયા લીધા બાદ પણ દસ્તાવેજ ના કરી આપવા મામલે ગ્રાહકે કુલ 3 શખ્સો વિરૂદ્ધ પોલીસ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં શિક્ષક પ્રકાશ કોદરભાઈ વણકરે ફરિયાદ નોંધાવી હતી કે, લીલીવાડી નજીક રવેટા હોટલની પાછળ રહેતા સોલંકી ગૌતમ માનાભાઈને તેઓ ઓળખતા હતા, તેથી તેઓએ તેમના ઘર નજીક એક પ્લોટ વેચવાનો છે, તેમ કહી પ્લોટ બતાવતાં પ્રકાશભાઈ પ્લોટ જોઈને લેવા માટે તૈયાર થયા હતા. જેથી ગાતમે તેમની ઓળખાણ પ્લોટના માલિકા ચાવડા ગૌરાંગ મહેન્દ્રભાઈ સાથે કરાવી પ્લોટની લેવડદેવડ કરવી હતી અને બિલ્ડરનું કામ કરતા અનિલ પરમારને મકાન બનાવવાની પણ કામગીરી સોંપી હતી.
આ માટે આ ત્રણેય શખ્સોએ પ્રકાશભાઈને ભરોસામાં લઈ અલગ અલગ બહાને કુલ રૂપિયા 16.50 લાખ લીધા હતા. જેને બે વર્ષ ઉપરનો સમયગાળો થઈ જવા છતાં તેઓએ પ્રકાશભાઈને દસ્તાવેજ કરી આપ્યો નહોતો. આ ઉપરાંત પ્રકાશભાઈએ જે મકાન માટે રૂપિયા આપ્યા હતા તે પણ અન્ય ગ્રાહકોને વેચવા માટે બતાવવાનું શરૂ કરતાં પ્રકાશભાઈએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ મામલે શહેર બી ડીવીઝન પોલીસે અનિલ નટવરભાઈ પરમાર (રહે. 5 સત્યમનગર સોસાયટી, ટેલીફોન એક્ષચેન્જ રોડ), ગૌતમ માનાભાઈ સોલંકી (રહે. 17 ઈન્દ્રલોક સોસાયટી ભાગ 1, ૨વેટા હોટલ પાછળ, લીલીવાડી નજીક પાટણ) અને ગૌરાંગ મહેન્દ્રભાઈ ચાવડા (રહે. આરાસુરી સોસાયટી, લીલીવાડી પાસે પાટણ) એમ 3 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.