પાટણમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નકલી પોલીસ અને પત્રકાર બનીને વેપારીઓને લૂંટતી ટોકળી સાથે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો વેપલો પણ ઝડપાયો છે. પાંચ શખ્સોની ટોળકીએ ગ્રાહક બનીને ચાઇનીઝ દોરીનો વ્યપાર કરતા વેપારીને ફોન કર્યો ને દોરી મંગાવી.. જ્યારે વેપારી દોરી આપવા ગયો તો નકલી પોલીસ અને પત્રકારોની ઓળખ આપીને ડરાવી ધમકાવીને 50 હજાર માંગ્યા.. પણ ન મળતાં 3500 રોકડા અને 5 હજારનો મોબાઇલ લઇને અપહરણ કરીને મારમાર્યો.. આ ઘટના ચાલી રહી હતી ને અસલી પોલીસ આવી જતાં જોવા જેવી થઇ... આ ઘટનામાં નકલી પોલીસ અને પત્રકારની ટોળકીના બે શખ્સોને ઝડપીને ઓળખ કરી તો પોલીસ પણ ચોંકી ગઇ હતી. કારણ કે, એમાનો એક આરોપી તો તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો.
ઝડપાયેલો આરોપી લડી ચૂક્યો છે ચૂંટણી
નકલી પોલીસ બનેલો તોફીક ઉમરભાઈ મન્સૂરી 2022ની વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડ્યો હતો. જોકે, તેની કારમી હાર થઇ હતી. જેના ઉપર પહેલાંથી સાત જેટલા ગુના નોંધાયેલા છે. સત્તા ન મળતાં નકલી પોલીસ બનીને વેપારીઓને નિશાન બનાવીને તોડપાણી કરતો હતો. જોકે, ગઇકાલે સાંજે બનેલી ઘટનામાં તે રંગેહાથ અસલી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. અગાઉ તોફીક મન્સૂરીએ કેટલા લોકોના તોડ કર્યા છે. તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કંઇ રીતે ઘડ્યો હતો 50 હજાર પડાવવાનો કારશો
પાટણના પાંચ શખ્સો જેમાં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડેલો તોફીક ઉમરભાઈ મન્સૂરી, મૂર્તઝાઅલી એકબાલહુસેન સૈયદ, ઝહીર ઉર્ફે બટાકો ભટીયાર, માજીદ ખાન સિંધી તેમજ એક અજાણ્યો શખ્સ.. આ પાંચેય શખ્સોની ટોળકીએ શહેરમાં ચાઇનીઝ દોરીનો બંધ બારણે વેપાર કરતા રામું ભુપેન્દ્રભાઈ પટણીને ગ્રાહક બનીને ફોન કર્યો અને જણાવ્યું કે, અમારે ચાઇનીઝ દોરી જોઇએ છે. પહેલાં વેપારીને બીક લાગી તો તેણે ના પાડી પણ પછી તેના નજીકના સગાનું નામ આપતાં વેપારી તૈયાર થઇ ગયો હતો. બાદમાં સાંજે મળવાનું નક્કી થયું ને વેપારી એક અન્ય વ્યક્તિ સાથે લોકેશન પર પહોંચીને રાહ જોઇ રહ્યો હતો.
...અને અચાનક થઇ પોલીસ-પત્રકારની એન્ટ્રી
વેપારી રાહ જોતો હતો અને અચાનક એક ફોર વ્હીલ ગાડી આવી જેમાંથી ત્રણ શખ્સો ઉતર્યા, ત્રણેય શખ્સો વેપારી પાસે ગયા અને નકલી પોલીસની ઓળખ આપી. વેપારી પાસે ગેરકાયદેસર ચાઇનીઝ દોરી હોવાથી તે ડરી ગયો અને વાત સમાધાન પર આવી.. આ ચર્ચા દરમિયાન બે નકલી પત્રકારની એન્ટ્રી થઇ.. આમ પાંચેય શખ્સોએ મળીને વેપારી પાસે સમાધાનના 50 હજાર માંગ્યા હતા. જો નહીં આપે તો કેસ કરીને ફસાવી દેવાની ધમકીઓ આપતા હતા.
ઘમાસાણ ચાલતું હતુંને અસલી પોલીસની ગાડી આવી ગઇ
વેપારી પાસે 50 હજાર ન હોવાથી આનાકાની થતાં પાંચેય શખ્સોએ વેપારીનું અપહરણ કર્યું, ગાંડીમાં બેસાડી મારમાર્યો અને ખીસ્સામાં રહેલાં 3500 રોકડા લઇ લીધા હતા. વેપારીએ પોલીસને ફોન કરવા ફોન ખીસ્સામાંથી કાઢતાં 5 હજારની કિંમતનો ફોન પણ પડાવી લીધો હતો. આ ઘમાસાણ ચાલતું હતું ને એવામાં પેટ્રોલિંગ કરતી અસલી પોલીસની ગાડી આવી ગઇ. અસલી પોલીસ આવતાં પાંચ પૈકી ત્રણ શખ્સો ભાગી ગયા જ્યારે બે શખ્સો રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
આરોપીઓની ઓળખ થતાં પોલીસ પણ ચોંકી ગઇ
પોલીસ બંને નકલી પોલીસ અને ચાઇનીઝ દોરીનો વેપલો કરતાં વેપારી અને તેની સાથેના વ્યક્તિને લઇને સ્ટેશને આવી હતી. જ્યાં ઝડપાયેલા બંને શખ્સોની ઓળખ કરતાં જાણ થઇ કે, તોફીક ઉમરભાઈ મન્સૂરી તો તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષમાંથી લડ્યો હતો. આ ઘટનામાં પોલીસે બંને નકલી પોલીસ અને ચાઇનીઝ દોરીનો વેપલો કરતાં બે શખ્સો એમ ચારને ઝડપી પાડ્યા છે. જ્યારે ત્રણ ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.