પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 32000 વાહન ચાલકો પાસે ઈ-મેમોના રૂ.1 કરોડ રકમ ભરવાની બાકી છે તેવા ઇ-મેમો ન ભરનાર વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. પાટણમાં નેત્રમ દ્વારા અપાયેલા ઇ-મેમોના કુલ રૂ.9900 ન ભરનાર 12 વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ વાહન નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી શહેરમાં 48 જુદી જુદી જગ્યાએ 274 સીસીટીવી લગાવેલા છે.જેનુ સીધું મોનિટરીંગ 24 કલાક 20 પોલીસ, 6 એન્જિનિયરો અને 1 પીએસઆઇ દ્વારા કરાઈ રહ્યું છે. વર્ષ 2020થી 1 ઓગસ્ટ 2022 સુધીમાં 70872 વાહન ચાલકોને ટ્રાફિક નિયમનના ઉલ્લંઘન બદલ ઈ- મેમો ઇસ્યુ કર્યા છે.
જેમાં 32435 ઈ-મેમોની રૂ.1,00,00,600 રકમ વસુલ કરવાની બાકી છે ત્યારે બાકી ઈ-મેમાની રકમ વાહન ચાલકો પાસેથી વસુલાત કરવા પાટણ પોલીસ વિભાગ દ્વારા 12 વાહન ચાલકો સામે પાટણ એ ડિવિઝનમાં 7, પાટણ તાલુકા પોલીસ મથકે 2, પાટણ બી ડિવિઝનમાં 1, રાધનપુર અને વાગડોદ પોલીસ મથકે 1-1 ગુના નોંધાયા હતા. તેવુ પાટણ નેત્રમ શાખાના પીએસઆઇ આર. આર. ઝરૂએ જણાવ્યું હતું.
ઈ ચલણ આવ્યાના એક માસ બાદ પોલીસ દ્વારા જે તે વાહન ચાલકને નોટિસ આપી 15 દિવસમાં ભરવા કડક સૂચન કરાય છે ત્યારબાદ વાહન ચાલક ઈ ચલણ ન ભરતાં જે એડ્રેસ હોય તે પોલીસ મથકે વાહન ચાલક સામે ગુનો રજિસ્ટર થતો હોય છે જે ગુનામાં વાહન ચાલકને જે તે દંડની રકમ તેમજ ત્રણ માસની જેલ અને કોર્ટ જે દંડ કરે તે રકમ ભરવા પાત્ર થતી હોય છે.
તેવુ પાટણ નેત્રમ શાખાના પીએસઆઇ આર. આર. ઝરૂએ જણાવ્યું હતું. જોકે, ઈ-ચલણ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન વેબસાઈટ લોડ લેતી હોય તો જિલ્લાના તમામ પોલીસ મથકે ઈ ચલણ ભરી શકાય છે તેવુ પોલિસ સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.