વાવેતર:પાટણમાં ગત વર્ષની સરખામણીએ 70 હજાર હેક્ટર વાવેતર ઘટ્યું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમી તાલુકાના ભામથર ગામ સહિતના ગ્રામિણ વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોને વાવેતર કરી કરી શક્યા નથી. - Divya Bhaskar
સમી તાલુકાના ભામથર ગામ સહિતના ગ્રામિણ વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોને વાવેતર કરી કરી શક્યા નથી.
  • જૂનમાં વરસાદ ખેંચાયો અને જુલાઈમાં અઠવાડિયાથી સતત વરસતા જમીનમાં ભેજના કારણે ખેડૂતો વાવેતર કરી શક્યા નહીં
  • કઠોળ અને બાજરીના પાકનું વાવેતર ઘટવાની અને જુવાર, ઘાસચારો તેમજ દિવેલાનું વાવેતર વધવાની શક્યતા

ખરીફ સિઝનની શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ હવે સતત વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. સતત અઠવાડિયાથી દરરોજ વરસાદ વરસતાં જમીનમાં વરાપ ન થતા વાવેતર વિલંબમાં પડ્યું છે. ગત વર્ષની સરખામણીએ હાલમાં 70000 હેક્ટર વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. ખરીફ પાકોના વાવેતરમાં 15 દિવસ જેટલું મોડું થઈ ગયું છે જેના કારણે કઠોળ, બાજરી પાકનું વાવેતર ઘટવાની શક્યતા છે. ત્યારે હવે મેઘરાજા વિરામ લેતો ખેડૂતો વાવેતર કરી શકે તેવી પરિસ્થિતિ છે.

અડધો જુલાઈ માસ વીતી ગયો છતાં પાટણ જિલ્લામાં ખેડૂતો ખરીફ વાવેતરમાં માંડ ખાસ કરીને બીટી કપાસનું વાવેતર કરી શક્યા છે. બાકીના બાજરી, મગ, મઠ, અડદ, ગવાર, તુવેર, તલ, ઘાસચારો સહિતના પાકની વાવણી વિલંબમાં પડી છે જુજ ક્યાંક વાવેતર થયું છે મોટાભાગનું વાવેતર બાકી છે કારણ કે ગયા વર્ષે 21 જૂનએ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને બેથી ત્રણ દિવસમાં 15 ટકા વરસાદ થઈ ગયો હતો એટલે કે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો સમયસર વાવણી કરી શક્યા હતા.

જ્યારે આ વખતે શરૂઆતમાં વરસાદ ખેંચાતાં 21 જુને માત્ર ચાર ટકા વરસાદ થયો હતો. 2 જુલાઈએ સારા વરસાદની શરૂઆત થઈ હતી અને 6 જુલાઈ સુધીમાં 15 ટકા વરસાદ થયો હતો તેમાં પણ કેટલાક તાલુકામાં વાવણી લાયક વરસાદ થયો ન હતો. હાલમાં સરેરાશ 25 ટકા વરસાદ થયો છે.

જેમાં પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા, હારિજ, સમી, રાધનપુર અને સાંતલપુર પંથકમાં વાવણી લાયક વરસાદ થયો છે પરંતુ છેલ્લા અઠવાડિયાથી દરરોજ વરસાદ વરસતો હોવાથી અને વાદળછાયું વાતાવરણ રહેતાં વાવણી કરવા માટે વરાપ ન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. વરસાદ વિરામ લેતો ખેડૂતો વાવેતર કરી શકે તેમ છે. ગયા વર્ષે 8 જુલાઈ 2021 સુધીમાં 96198 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. જ્યારે હાલમાં માત્ર 26754 હેક્ટરમાં વાવેતર થયું છે એટલે ગયા વર્ષની સરખામણીએ 70,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર ઓછું થયું છે. અને 15 દિવસ જેટલું મોડું પણ થયું છે.

કઠોળ,બાજરીનું વાવેતર ઘટશે: કૃષિ તજજ્ઞ
ખેતી તજજ્ઞએ જણાવ્યું હતું કે વરસાદની અનિયમિતતાના કારણે વાવેતર કરવામાં મોડું થતા કઠોળ અને બાજરીનું વાવેતર ઘટશે અને તેની સામે દિવેલાનું વાવેતર વધી શકે છે.

હજુ પાક પેટર્ન બદલવી પડે તેવી સ્થિતિ નથી:તંત્ર
જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વખતે હાલની સ્થિતિએ વાવેતરમાં 70000 હેક્ટરનો ઘટાડો છે પરંતુ વરાપ થયા બાદ વાવેતર ગતિ પકડશે ખેડૂતોએ બિયારણ સહિતની ખરીદી કરી છે.હજુ પાક પેટર્ન બદલવી પડે તેટલું મોડું થયું નથી.

વાવેતર કરવાનો મોકો મળ્યો નથી : ખેડૂત
રાધનપુરના ખેડૂત વિનુભાઈ પટેલે જણાવ્યું હતું ક જુલાઈ માસ અડધો થયો છતાં ખેડૂતોને હજુ ખરીફ પાક વાવેતર કરવાનો મોકો મળ્યો નથી. જેના કારણે આ વખતે બાજરી અને કઠોળનું વાવેતર ઘટશે અને જુવાર, ઘાસચારો તેમજ દિવેલાનું વાવેતર વધી શકે છે વરસાદના કારણે ખેડૂતોને બીટી કપાસમાં પિયત આપવું નહીં પડે અને પાક સારો થશે

પાટણ જિલ્લામાં થયેલું તાલુકા વાઈઝ વાવેતર
ચાણસ્મા5447 હેક્ટર
હારિજ3780 હેક્ટર
પાટણ5225 હેક્ટર
રાધનપુર1960 હેક્ટર
સમી215 હેક્ટર
સાંતલપુર1605 હેક્ટર
સરસ્વતી5282 હેક્ટર
શંખેશ્વર460 હેક્ટર
સિદ્ધપુર2780 હેક્ટર

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...