રોડનું નવીનીકરણ:પાટણના સંડેરથી ડાભડી સુધીનો રૂપિયા 10 કરોડના ખર્ચે ડામરનો રોડ બનાવવાની કામગીરી શરૂ

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા રોડનું નવીનીકરણ થતા ગ્રામજનોની સમસ્યાં દૂર થશે ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ ગામના સરપંચ અને આગેવાનોની ઉપસ્થિતિમાં મુહૂર્ત

પાટણ તાલુકાના સંડેર ગામથી માતપુરા ડાભડી ગામ સુધીનો નવીન રોડ પાટણના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 10 કરોડના ખર્ચે બનાવવાની કામગીરીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવીન રોડ બનવાનો શરૂ થતાં છેલ્લા બે વર્ષથી વિસ્તારમાં રહેલા ગ્રામજનોની રોડની સમસ્યાઓનો અંત આવ્યો હતો.

સંડેર ગામથી ડાભડી ગામ સુધીના મુખ્ય માર્ગ છેલ્લા બે વર્ષથી તૂટેલી હાલતમાં હોવાથી રોડ બનાવવાની કામગીરી બાકી હોય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રોડ મંજુર કરવામાં આવ્યો હતો. આ રોડ બનાવવા માટેની કામગીરીનું ગુરુવારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ ગામના સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મુહૂર્ત બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી. નવીન ડામર રોડ બનાવવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી હોવાથી વાહન ચાલકોને બિસ્માર રોડની સમસ્યામાંથી મુક્તિ મળશે.

મોરપા, રખાવ-નાયતા વચ્ચે પાક્કો રોડ બનશે
સરસ્વતી તાલુકાના મોરપા,રખાવ અને નાયતા ગામના લોકો વર્ષોથી પાકા રોડથી વંચિત હતા ત્યારે સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના ભલામણથી મોરપાથી રખાવ સુધીનો 3.70 કિ.મી. કાચા રસ્તાને 220.00 લાખનાં ખર્ચે પાકો રોડ મંજુર કરી પાકો રોડ બનાવવા માટે બુધવારે ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે શ્રીફળ વધેરી રોડનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને વાગડોદ વાયા મોરપા- નાયતા એકમાર્ગીય 7.80 કિલોમીટર રોડ પહોળો કરવા 545.83 લાખના ખર્ચે કરવામાં આવશે. આ પ્રસંગે સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રોડ- રસ્તા, શિક્ષણ માટે શાળાઓ, સારવાર માટે દવાખાનું,પીવાના પાણીની વ્યવસ્થા કરવી,લાઈટ જેવા દરેક પ્રશ્નોનુ નિરાકરણ લાવવા અને દરેક સમાજનો સહિયારો વિકાસ થાય તેવા કાર્યો કરવા છે.

રોડ ઊંચો અને લેવલીંગ વાળો બનાવાશે : ધારાસભ્ય
પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ જણાવ્યું હતું કે આ રોડ નીચાણવાળા વિસ્તારમાં હોઈ પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને પણ પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જેથી નવીન બની રહેલ રોડ ઊંચો અને લેવલિંગ બનાવવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા રોડ બનાવનાર એજન્સીને સૂચના અપાઈ હતી. રોડનું લેવલ કરીને યોગ્ય કામગીરી કરવા માટે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...