વાતાવરણમાં પલ્ટો:પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના વાતાવરણમાં બદલાવ, સોલાર પ્લાન્ટની 40થી વધુ પ્લેટો વાવાઝોડામાં તબાહ

પાટણએક વર્ષ પહેલા
  • માખણીયા વિસ્તારમાં શુદ્ધિકરણ પ્લાન્ટ બિલ્ડીંગ ઉપર ફિટ કરેલી સોલાર પ્લાન્ટની પ્લેટો ઉડી ગઇ
  • ચાણસ્મામાં એક અને સિદ્ધપુરમાં પાંચ મી.મી. વરસાદ વરસ્યો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બુધવારની મોડી રાત્રે અચાનક આવેલા વાતાવરણમાં બદલાવને કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. તો પાટણ જિલ્લામાં પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. બુધવારે મોડી રાત્રે આવેલા અચાનક વાવાઝોડાના કારણે જિલ્લામાં થયેલા નુકસાનીના આંકડા સરકારી ચોપડે હજુ સુધી આવ્યા નથી. પણ માખણીયા વિસ્તારમાં શુદ્ધિકરણ પ્લાન્ટ બિલ્ડીંગ ઉપર ફિટ કરેલી સોલાર પ્લાન્ટની પ્લેટો ઉડી ગઇ હતી.

40 થી વધુ પ્લેટો ઉડીને જમીન પર પટકાઇ

પાટણ શહેરના માખણીયા વિસ્તારમાં કાર્યરત કરાયેલા દુષિત પાણી સુદ્ધીકરણ માટે બનાવેલા પ્લાન્ટ ઉપરના બિલ્ડિંગના ભાગે લગાવેલી સોલાર પ્લાન્ટની 40 થી વધુ પ્લેટો ઉડીને જમીન પર પટકાતા નુકસાન થવા પામ્યું હતું. તો જિલ્લામાં અન્ય સ્થળોએ પણ નાનુ મોટું નુક્સાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી જિલ્લામાં વાવાઝોડાનાં કારણે થયેલા નુકસાનની કોઈ જાણકારી તંત્રને પ્રાપ્ત થઈ ન હોવાનું ડિઝાટર અધિકારી જણાવ્યું હતું.

સિદ્ધપુર શહેરમાં 5 મી.મી વરસાદ પડ્યો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બુધવારે મોડી રાત્રે આવેલા વાવાઝોડા સાથે વરસાદમાં પાટણ શહેર વરસાદી ઝાપટા સાથે ચાણસ્મા શહેરમાં 1 મી.મી.અને સિદ્ધપુર શહેરમાં 5 મી.મી વરસાદ પડ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...