સમસ્યા:પાટણમાં સિટી બસ સેવા કાયમી બંધ પડી, ઈલેક્ટ્રિક વાહનોની પાલિકાની દરખાસ્ત ગાંધીનગરમાં અટવાઈ

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિટી બસો નુકસાનમાં અને બગડી ગયેલ હોવાથી પાલિકા દ્વારા બસ સેવા બંધ કરી દેવાતાં બિન ઉપયોગી પડી રહેતાં લાખો રૂપિયાની બસો ભંગાર બની જવા પામી

પાટણ નગરપાલિકામાં સરકાર દ્વારા આપવામાં આવેલી સીટી બસો બંધ કરી દેવામાં આવી છે અને બિન ઉપયોગી પડી રહેતાં ભંગાર બની ગઇ છે. વર્ષ 2012-13માં મુખ્યમંત્રી ભંડોળમાંથી રુ.20 લાખથી વધુની કિંમતની બે સીટી બસો પાલિકાને મળી હતી. જે શહેરના વિવિધ રૂટ પર શહેરીજનોને ઓછા ભાડે અવર જવર માટે શરુ કરાઇ હતી. પરંતુ 2013માં શરુ થયેલ સીટી બસની સેવાને 2020માં પંક્ચર પડી ગયું છે અને સીટી બસ સેવા ખોટ કરતી હોઈ બંધ કરી દેવાઇ છે. હવે શહેરમાં ઈ.રીક્ષા કે બસ ફેરવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કોરોનાકાળની પ્રથમ લહેરમાં જ સીટી બસની સેવા બંધ થયા બાદ આજ સુધી ફરીથી દોડી નથી. પાલિકા સંકુલમાં પડેલી બંને સીટી બસ હવે ભંગાર બની ગઇ છે. સીટી બસને ભંગારમાં વેચી મારવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો સૂર વિપક્ષ છાવણીમાં ઉઠી રહ્યો છે. કોગ્રેસના કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું કે સીટી બસ ભંગાર બની જાય તે પહેલા દુરસ્તી કરાવીને પાલિકા દ્વારા ચોક્કસ આયોજન સાથે પુન: શરુ કરે તો શહેરના લોકોને લાભ મળશે.

આ અંગે નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે શહેરમાં શરૂ કરાયેલ સીટી બસની સેવા છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવાઇ છે. અત્રે નોંધનીય છે કે સીટી બસ ખોટ કરતી હતી તેમજ બગડી ગયેલ હોવાથી પાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા શહેરને ઈલેક્ટ્રિક મીની બસ કે ઈલેક્ટ્રિક રીક્ષા ફાળવવા રાજ્ય સરકારમાં પત્ર લખ્યો હતો.જોકે,તેમાં કોઈ પ્રત્યુતર આવ્યો નથી આ અંગે પ્રમુખે જણાવ્યું કે આ અંગે સરકારમાં રિમાઇન્ડર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...