પાટણથી:આવતીકાલે શ્વેતામ્બર જૈન સમાજનાં ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે, ચાતુર્માસિક પ્રતિક્રમણ થશે

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૈન સંઘોમાં શુક્રવારે શત્રુંજય તીર્થ, ભાવયાત્રાનું આયોજન થશે

આવતીકાલે ગુરુવારે ચોમાસી ચૌદશ છે એટલે કે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજનાં ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે અને શુક્રવારે જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થઇ શકશે. એટલે કે જ ચાર મહિના સુધી એક સ્થળે સ્થિરતા બાદ ચોમાસી ચૌદશ બાદ વિહાર શરૂ થશે.

અષાઢ સુદ-ચૌદશથી પ્રારંભ થયેલા જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ ગુરુવારે કારતક સુદ-ચૌદશની સવારે સામૂહિક દેવવંદન અને ચૌમાસી ચૌદશના વિશેષ પ્રતિક્રમણ સાથે થશે. એમ કહી શંખેશ્વર જૈન તીર્થ 108 ભક્તિ વિહાર ખાતે ચાતુર્માસ બિરાજમાન જૈન મુનિ નયશેખરવિજયજી મ.સા. ( કચ્છ - કોડાચ વાળા ) એ જણાવ્યું કે કાર્તિકી પૂર્ણિમાની સવારથી વિહારનો પ્રારંભ થશે.

જેને જૈન ધર્મ અનુસાર ચાતુર્માસ પરિવર્તન કહેવામાં આવે છે. જે દિવસ શુક્રવારે છે. આ કારતક સુદ પૂર્ણિમાનો દિવસ જૈન સમાજ માટે મહત્ત્વનો બની રહેશે. કેમ કે ચાતુર્માસ દરમિયાન બંધ રહેતી શત્રુંજય તીર્થની યાત્રાનો કાર્તિકી પૂર્ણિમાથી પ્રારંભ થશે. એક સ્થાને બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ થશે અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની જન્મ દિવસની ઉજવણી પણ થશે. આ રીતે એક સાથે ત્રણ પ્રસંગો સર્જાશે.

તેમણે જણાવ્યું કે, ચાર માસ દરમિયાન વરસાદ આદિને કારણે શત્રુંજય પર્વત ઉપર સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થયાત્રા બંધ રાખવામાં આવે છે. જેનો પ્રારંભ પૂનમનાં દિવસથી શરૂ થશે. જે શ્રાવક-શ્રાવિકાઓ પૂનમનાં દિવસે પાલિતાણા ન જઈ શકે તેઓ પોત-પોતાના જૈન સંઘમાં શત્રુંજય તીર્થનો પટ બાંધી તેની સમક્ષ ભાવથી તીર્થયાત્રા કરશે. જેને શત્રુંજય તીર્થની ભાવપાત્રા પણ કહેવાય છે. આ દિવસે શાશ્વત તીર્થ એવા શત્રુંજય તીર્થનું મહિમા ગાન પણ થતું હોય છે. એવું પણ કહેવાય છે કે કાર્તિકી પૂર્ણિમાએ દ્રાવિડ-વારિખિલ્લજી 10 કરોડ મુનિઓ મોક્ષ પદને પામ્યા છે.

એટલું જ નહીં આ તીર્થ પરથી અનેક અનંત આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. આ તીર્થની સ્પર્શના અને યાત્રા પણ કર્મ નિર્જરામાં સહાયક બને છે. આ ભૂમિ એ એવી વિશિષ્ટ ભૂમિ છે કે તીર્થંકર પરમાત્માઓનું આ સાધના સ્થાન છે.આવા સ્થાનમાં માત્ર ગુજરાત જ નહીં. દેશભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પધારતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...