મહા પ્રભાવી સાક્ષાત શ્રી ભટેવા પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં યશસ્વી ચાતુર્માસ કરનાર બંધુબેલડી ચાણસ્માના નગરજનોને ઘેલા કરનાર પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસુરી મસા આદિ વિશાળ શ્રમણ શ્રમણિ વૃંદનો રવિવારે ચાણસ્મા નગરથી કંબોઈ થઈને શંખેશ્વર તીર્થ તરફ વિહાર શરૂ થયો હતો.જેમાં પૂજ્યશ્રીને વળાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પૂજ્ય આચાર્ય હેમચંદ્રસાગરસૂરી મસાએ ફરમાવ્યું કે ચાણસ્મા સાથે અમારો ઘરોબો છે. લગભગ બધા ચહેરા અમારા પરિચિત છે. વિક્રમ સંવત 2042માં ચાણસ્મા મહાજને અમને ગણી પદવી અપાવી હતી. માત્ર ઈશારો કર્યો અને ભવ્ય ગણી પદવી મહોત્સવનું આયોજન કર્યું હતું તે વખતે ચાણસ્મા ચાતુર્માસ માટે હા પાડી હતી.
પરંતુ સંજોગો વશાત શાસનના કાર્યોના કારણે ત્રણ વાર નક્કી કર્યું પણ ન કરી શક્યા અને આ વર્ષે ચાતુર્માસ સામે ચાલીને કર્યું. ચાતુર્માસ પહેલા પ્રશ્નાર્થ હતો કે કેવું જશે અને આજે ઉદગાર છે કે આટલું ભવ્ય ચાતુર્માસ. અમે તો જૈન સાધુ છીએ. સાધુ તો ચાલતા ભલા, ચરૈવતી, ચાલતા રહેવાનું, તમે અમારી કલ્પના કરતા વધારે આપ્યું છે અમે જેટલા નજીક અમારી સાથે નથી તેટલા નજીક અમારી સાથે તમે થઈ ગયા છો. અમે પાછા આપવાની શરતે જઈ રહ્યા છીએ. ચાણસ્મા જેવું વતન ગામ મંદિર ઉપાશ્રય આદિ આવો ક્યાંય નહીં મળે.
આખા વિશ્વમાં ટોપ પાંચ પ્રાચીન પ્રતિમાઓમાં એક શ્રી ભટેવા પાર્શ્વનાથ દાદાની પ્રતિમાનું નંબર આવે છે. જ્યારે અમને દાદાને જોવાનું મન થશે ત્યારે તમારી આંખે જોઈ લેશું. દાદાને સ્પર્શ કરવાનું મન થશે ત્યારે જૈન સંઘ અને ગ્રામજનોના હસ્તે અડી લેશું. અમે ભગવાન સાથે તો એક થયા જ છીએ સાથે સાથે ભટેવાના ભક્તો સાથે પણ એક થયા છીએ. લોકોએ ચાર મહિના તમને ખૂબ સાચવ્યા છે. પોતાના ઘર પરિવાર સ્વજનોની ચિંતા કર્યા વગર માત્ર અમારી કાળજી લીધી છે. તે ઋણ સ્વીકાર સાથે ચાર મહિના જીન શાસનની આર્ય સંસ્કૃતિની ચાણસ્મા ના સંસ્કારોની રક્ષા કરવાનું ઉત્તમ ઉમદા કાર્ય કરવામાં સૌથી વધુ પરિશ્રમ શ્રી હેમચંદ્રસાગર સુરી મસાનો છે. પૂજ્ય શ્રીએ દરેક પ્રસંગોમાં હાજરી આપી છે.
હવે જ્યારે પણ અમારી યાદ આવે તો ભગવાન પાસે જઈને એક જ વાત કહેશો કે જીન શાસનની સેવામાં જે ગુરુદેવ પોતાના શ્વાસને પણ જોતા નથી તેવા ગુરુદેવનું સ્વાસ્થ્ય નિરામય રહે તેવી પ્રાર્થના કરજો. છેલ્લા 5 દિવસોમાં પૂજ્ય આચાર્યશ્રીની પ્રેરણાથી ચાણસ્મા સિવિલ હોસ્પિટલ નગરની બેંકોના કર્મચારીઓ નગરપાલિકાના કાર્યકર્તા કોર્પોરેટર જૈન મહાજન પેઢીના સેવકો પાંજરાપોળના સેવકો પોલીસ કર્મચારીઓ નગરના સર્વે શિક્ષકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. પૂજ્ય શ્રી ને વળાવવા માટે ગ્રામજનો પણ પધાર્યા અને સૌએ રડતા હૈયે વિદાય આપી હતી.કંબોઈથી વિહાર કરી 14 નવેમ્બરને સોમવારના રોજ હારિજ મુકામે પધારશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.