વાયરલ વીડિયોનો મામલો:સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કહ્યું- મારા જૂના વીડિયોને એડિટ કરી મને બદનામ કરવા સી.એમ.ઓમાંથી વીડિયો વાયરલ કરાયો

પાટણ11 દિવસ પહેલા

સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર ચંદનજી ઠાકોરનો દેશને જો કોઈ બચાવી શકે તો મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે તેવું જાહેર નિવેદન આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો મામલે તેઓએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સી.એમ. ઓ ઓફિસમાંથી આ વીડિયોને ટ્વીટ કરીને વાયરલ કરાયો છે. વીડિયો 3 વર્ષ જૂનો છે. જેમાં ખોટી રીતે એડિટિંગ કરીને બદનામ કરવાનુ કાવતરું કરવામાં આવ્યું છે. ભાજપની આ પ્રવૃતિ બદલ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

વિવાદીત નિવેદન સાથેનો વીડિયો વાયરલ થયો હતો
સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર એક સભામાં મુસ્લિમ સમાજને સંબોધન કરી રહ્યા હતા. જેમાં તેઓ બોલી રહ્યા છે કે, કંઈક નવું કરવા માટે આપણે ભાજપને મત આપ્યા છે પરંતુ આ લોકો મત લઈને છેતરી ગયા છે આપણને એકને જ નહીં સમગ્ર દેશને છેતર્યા છે. આ દેશને હવે કોઈ બચાવી શકે તો મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને કોંગ્રેસને પણ કોઈ બચાવી શકે તો મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે. આવા નિવેદન સાથેનો વિવાદાસ્પદ વીડિયો શનિવારે દિવસભર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈ ઠેર-ઠેર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
આ ઘટનાને હું વખોડુ છુંઃ ચંદનજી ઠાકોર
આ વીડીયો મામલે ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હાલના ચૂંટણીના માહોલમાં સીએમઓ ઓફિસમાંથી મારો વીડિયો મૂકવામાં આવ્યો છે. તે વીડિયોમાં મારો અવાજ છે નહીં એડિટિંગ કરી ખોટી રીતે વીડિયો બતાવવામાં આવ્યો છે. 3 વર્ષ અગાઉનો વીડિયો છે. મને બદનામ કરવા માટે વાયરલ કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે, જે પ્રમાણે સી.એમ ઓફિસમાંથી આ વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે તે ઘટનાને હું વખોડું છું અને ગુજરાતના લોકોને આ પ્રમાણે ગુમરાહ ના કરો. ગુજરાતમાં 125થી વધુ બેઠક સાથે કોંગ્રેસની સરકાર બની રહી છે. જેથી ભાજપ હારી રહી હોય આં પ્રકારની પ્રવૃતિ કરી રહી છે. જે ખૂબ દુર્ભાગ્યની બાબત છે.

અન્ય સમાચારો પણ છે...