કુલપતિની હૈયાધારણા:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરા યુનિવર્સિટીના કુલપતિએ વિદ્યાર્થી સંગઠનોને ફી માફીનો પરિપત્ર યથાવત રાખવાની ખાતરી આપી

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થી સંગઠનો ફી માફીનો પરિપત્ર યથાવત રાખવા માટે ચલાવી રહ્યા છે લડત

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા 50 ટકા ફી માફીનો પરિપત્ર યથાવત રાખવાની હૈયાધારણા આપવામા આવી છે. ફી માફીનો પરિપત્ર રદ કરાતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટી અને કુલપતિ સામે મોરચો માંડવામા આવ્યો હતો. ભારે વિરોધના પગલે અંતે કુલપતિ દ્વારા 50 ટકા ફી માફીનો જે પરિપત્ર રદ કરવામા આવ્યો હતો તેને યથાવત રાખવાની હૈયાધારણા આપતા વિદ્યાર્થી સંગઠનોએ કુલપતિના નિર્ણયને આવકાર્યો છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ ફી ઘટાડાનો પરિપત્ર રદ કરવો કે યથાવત રાખવો તે બાબતે આજે યુનિવર્સિટીના રંગભવન ખાતે સંચાલકો અને વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક આયોજિત કરવામાં આવી હતી. પરંતુ સંજોગોવસાત આ બેઠકમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના એક પણ સંચાલક હાજર ન રહેતા વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓમાં કુલપતિ સહિત કોલેજ સંચાલકો સામે રોષ સાથે ભારે નારાજગી જોવા મળી હતી. રંગભવન ખાતે બોલાવાયેલી આ સંયુકત બેઠકમાં ઉપસ્થિત વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓએ કુલપતિને ઘેરાવો કરી મોબાઇલ ફોન પર સંચાલકો સાથે વાતચીત કરવાની માંગણી કરી હતી.

ઓનલાઇન બેઠકમાં પણ કોઇ કારોબારી સભ્ય હાજર ન રહેતા કુલપતિ દ્વારા વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓની માંગને ગ્રાહ્ય રાખી 50 ટકા ફી ઘટાડવાનો પરીપત્ર યથાવત રાખવાની હૈયાધારણા આપી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિપત્ર રદ કરવાના મામલે છેલ્લા ચારેક દિવસથી વકરેલા વિવાદને શાંત કરવા કુલપતિ દ્વારા વિદ્યાર્થી હિતમાં નિર્ણય કરી રદ કરાયેલ પરિપત્રને ફરીથી માન્ય રાખવા માટે તેઓ દ્વારા યુનિવર્સિટીના કારોબારી સભ્યો સાથે ઓનલાઇન બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ કારોબારી સભ્યો પોત પોતાના કામથી બહાર હોવાથી બેઠક શક્ય ન બનતાં કુલપતિ દ્વારા રદ્ કરવામાં આવેલ ફી માફીનો પરિપત્ર માન્ય રાખવાની હૈયાધારણા આપી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...