પાટણમાં નાગર બ્રાહ્મણના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસની મંદિર પરિસરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાગર બ્રાહ્મણોએ પરંપરાગત પીતાંબરી વસ્ત્રોમાં સજ્જ થઈ ભગવાન હાટકેશ્વરની મૂર્તિને ફૂલોથી સુશોભિત કરાયેલી પાલખીમાં બિરાજમાન કરી હતી. નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવની હાટકેશ્વર જયંતિ નિમિત્તે શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા હાટકેશ્વર મંદિર ખાતેથી રાત્રે પરંપરાગત શોભાયાત્રા નીકળી હતી અને ભવ્ય ઉજવણી કરાઈ હતી. ત્યારબાદ ભગવાન હાટકેશ્વરની પૂજન-વિધિ કરી ઉજવણી કરાઈ હતી.
હાટકેશ્વર જયંતિ ચૈત્ર સુદ ચૌદસના દિવસે મનાવવામાં આવે છે. શિવજીના હાટકેશ્વર સ્વરૂપ પાછળ એક પૌરાણિક કથા પણ વણાયેલી છે, જેમાં શિવ સ્કંન્ધ પુરાણમાં વર્ણવ્યા મુજબ સતીના પિતા દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં સમસ્ત સ્વર્ગ લોકના દેવી દેવતાઓ અને ઋષિમુનીઓને આમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ એકમાત્ર મહાદેવનો અનાદર કરી તેમને આમંત્રણ પાઠવ્યું નહોતું. ત્યારે સતીએ પોતાના પિતા દક્ષના ઘરે જવાની જીદ કરતાં મહાદેવે તેમને રજા આપી હતી.
ત્યારે સતી ધર્મશાળામાં આવતા તમામ દેવી-દેવતાઓનું સ્થાન અને તેમનું સન્માન જોતા અને પતિ મહાદેવનું હળાહળ અપમાન સહન ના થતાં તેમણે યજ્ઞમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. જેથી કોપાયમાન થયેલા શિવજીએ યજ્ઞશાળામાં આવી સતીના બળતા દેહને યજ્ઞમાંથી બહાર કાઢી તેમની સામે નૃત્ય કર્યું હતું. ત્યારે સમસ્ત બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો હતો. જેથી શિવજીને શાંત કરવા સ્વર્ગલોકના દેવતાઓએ સુવર્ણ શિવલીંગ પૃથ્વી પર સ્થાપિત કરતા શિવજીનો કોધ ઘીમેધીમે શાંત થયો હતો. આ સુવર્ણ શિવલિંગને હાટકેશ્વર તરીકે પૂજવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.