પશુપાલકોમાં ફફડાટ:સાંતલપુરની બજારોમાં લમ્પી વાયરસનો શિકાર બનેલા પશુઓ ખુલ્લેઆમ રખડતાં જોવા મળ્યા, સંક્રમણ ફેલાવાની દહેશત

પાટણ9 દિવસ પહેલા
  • રખડતાં પશુઓને કારણે અન્ય પશુઓમાં લમ્પી વાયરસ ફેલાવવાની પશુપાલનોમાં ચિંતા વધી
  • બનાવની જાણ થતાં પાટણ જિલ્લા પશુપાલન વિભાગના અધિકારી સહિતની ટીમ સાંતલપુર જવા રવાના

રાજ્યમાં વધતા જતા લમ્પી વાયરસ કેશ વચ્ચે પાટણ જિલ્લાના સાંતલપુરમાં લમ્પી વાયરસના સંક્રમણ વાળા પશુઓ બજાર વચ્ચે રખડતાં જોવા મળતા આ પંથકમાં વાયરસ ફેલાવાની ભીતિ સાથે પશુપાલનોમાં ફફડાટ ફેલાયો છે.

સંક્રમણ ફેલાવાની દહેશત
આ બાબત પાટણ જિલ્લા પશુપાલન વિભાગના ધ્યાનમાં આવતાં તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે આવા પશુઓને બજારમાંથી ખસેડી તેઓને વાડામાં સેઈફ કરી તેની સારવાર માટે તાલુકા વિકાસ અધિકારી, ગ્રામપંચાયત અને પોલીસ તંત્રને સુચના આપી કાયૅવાહી કરવા આદેશ આપી સ્થળ તપાસ માટે ટીમ સાંતલપુર રવાના કરવામાં આવી હોવાનું પાટણ જિલ્લા પશુપાલન અધીકારી ડો પરમારે જણાવ્યું હતું. સાંતલપુર પંથકમાં લમ્પી વાયરસવાળા પશુઓ સોમવારે બજારમાં ખૂલ્લેઆમ રઝળતા જોવા મળ્યા હતા. જાહેર બજારમાં રખડી રહેલા લમ્પી વાયરસ ગ્રસ્ત પશુઓથી અન્ય પશુઓમાં સંક્રમણ ફેલાય તેવી દહેશત પશુપાલનોમાં પ્રબળ બનવા પામી છે.

જિલ્લામાં 90થી વધુ પશુઓ લમ્પી વાયરસમા સપડાયા
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 90થી વધુ પશુઓ લમ્પી વાયરસમા સપડાયા છે. સૌથી વધુ લમ્પી વાયરસના કેસો સાંતલપુર તાલુકામાં નોંધાયા છે.ત્યારે સોમવારના રોજ સવારથી જ શહેરના બજાર માર્ગો પર લમ્પી વાયરસનો શિકાર બનેલા પશુઓ રખડતા જોવા મળતા તંત્રની બેદરકારી સામે આવી છે. જોકે, હજુ સુધી પાટણ જિલ્લામાં એક પણ પશુનું લમ્પી સંક્રમણનાં કારણે મોત નિપજ્યું ન હોય છતાં બજારમાં રખડતા જોવા મળી રહેલાં લમ્પી વાયરસનો શિકાર બનેલા પશુઓ દ્વારા અન્ય પશુઓમાં આ રોગ ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

બજારમાં ખુલ્લેઆમ રખડતાં પશુઓ
આ લમ્પી વાયરસનો શિકાર બનેલા અને બજારમાં ખુલ્લેઆમ રખડતાં પશુઓ મામલે પાટણ જિલ્લા પશુ વિભાગના અધિકારી ડો. પરમારનો ટેલિફોનીક સંપર્ક કરી માહિતી મેળવતા તેઓએ આ મામલે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની સુચના મુજબ પોતે જાતે જ પશુચિકિત્સકની ટીમ સાથે સાંતલપુર જવા રવાના થયાં હોવાનું જણાવી આ બાબતે સાંતલપુર ટીડીઓ, ગ્રામપંચાયત અને પોલીસ તંત્ર ને પણ સુચનાઓ આપી લમ્પી વાયરસ નો શિકાર બનેલા અને બજારમાં રખડતા પશુઓને તાત્કાલિક વાડામાં પુરી તેઓની સારવાર માટે પશુ ચિકિત્સકોને જણાવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...