પાટણ જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી શરૂ થતા તસ્કરોનો તરખાટ શરુ થયો છે. જેમાં ગત રોજ સમીના વરણા પછી હવે પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર બે દુકાનમાં તેમજ ચાણસ્મામાં ચાર ઘરોમાં તસ્કરો ત્રાટકી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં એકમાત્ર ઘરના દાગીના હાથ લાગતાં તેમજ શહેરની એક દુકાનની તિજોરી તોડી 6 હજાર રૂપિયાની ચોરી તો અન્ય દુકાનમાંથી 32 ઇંચની એલસીડી હાથ લાગી હતી.
દુકાનમાં તોડફોડ કરી તસ્કરો ફરાર
પાટણ શહેરમાં અનાવાડા રોડ ઉપર મંગળવારના દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં ચૌધરી સિમેન્ટ ડેપોમાં દુકાનનું શટરનું લોક તોડી અંદર તિજોરીમાં પડેલા રૂપિયા 6 હજારની ચોરી કરી હતી. તેમજ બાજુમાં આવેલી ગણેશ સિમેન્ટ ટ્રેડિંગની દુકાનમાં શટરનું લોક તોડી અંદર પ્રવેશ કરી લગાવેલી 32 ઇંચની એલસીડી ચોરી કરી ગયા હતા. તો દુકાનમાં તોડફોડ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ચાર ઘરને નિશાન બનાવ્યું, એક જ ઘરમાંથી દાગીના હાથ લાગ્યાં
ચાણસ્મા શહેરમાં મંગળવારની મધરાત્રિ દરમિયાન પ્રભુ કૃપા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં ચાર ઘરને નિશાન બનાવી અંદર હાથ ફેરો કરતા એક માત્ર ઘરમાંથી દાગીના હાથ લાગતાં લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય ત્રણ ઘરમાં ચોરોને કંઈ હાથ લાગ્યું ન હતું.
ચોરીના વધતા બનાવોથી રહીશોમાં ભય
જિલ્લામાં ચોરીના બનાવો વધતા રહીશોમાં ભયનો માહોલ ઉભો થયો છે. જેથી સત્વરે જિલ્લા પોલીસ દ્વારા વધુમાં વધુ પેટ્રોલિંગ વધારી વધતા ચોરીના બનાવોને અટકાવવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવું લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.