પાલિકાની બેદરકારી:પાટણમાં ગટરની ખુલ્લી કુંડીમાં વાછરડુ પડ્યુ, જીવદયા પ્રેમીઓએ મહામહેનતે બહાર કાઢ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ નગરપાલિકાની ગટર શાખાની બેદરકારીને કારણે અવાર-નવાર ગટરો ઉભરાવવા તેમજ ચેમ્બરોના તુટેલા ઢાંકણા સમયસર નહીં બદલવાને કારણે અવારનવાર નાની મોટી દુર્ઘટનાના બનાવો બને છે. ત્યારે ગતરાત્રે વોર્ડ નં.11 માં આવેલ રેલ્વેફાટક પાસેની વરસાદી ગટરની ખુલ્લી કુંડીમાં નાનુ વાછરડું પડી જતાં જીવ દયાપ્રેમીઓએ ભારે જહેમત બાદ બહાર નિકાળી જીવતદાન આપ્યું હતું.

પાટણના વોર્ડ નં.11માં આવેલ રેલ્વે ફાટક નજીક પાર્ટીપ્લોટ પાસેથી પસાર થતી ભુર્ગભગટરની બે કુંડીઓ આજુબાજુમાં આવેલી છે. જે બંનેના ઉપરના ઢાંકણા તૂટી જતા ખુલ્લી છે.આ સ્થળે રાત્રિના સમયે કેટલાક લોકો બેસવા અને હરવા ફરવા આવે છે. દરમ્યાન ગતરાત્રે આ ખુલ્લી કુંડીમાં ગાયનું નાનુ વાછરડું પડી જતા તેનો અવાજ અહીંયા બેસવા આવેલા લોકોના કાને પડ્યો હતો. આથી તેઓએ શહેરના જીવદયાપ્રેમીઓને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બહાર કાઢી જીવતદાન આપ્યુ હતું.

આ મામલે સ્થાનિક જાગૃત નાગરીક અમૃતલાલ પટેલે જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ ભુગર્ભ ગટરની આવી ખુલ્લી કુંડીઓ ઉપર તાકીદે ઢાંકણા નાખવા જોઇએ. આજે નાનુ વાછરડું પડયું હતું પરંતુ રાત્રિના અંધારામાં કોઇ બાળક કે વૃદ્ધ પડે તો કેવી દશા થાય..? આ અંગે જયેશ પટેલે જણાવ્યું હતું કે, અમને ઘટનાની જાણ થતાં અમે બીજું ઢાંકણું નાંખી દીધું છે. અગાઉનું ઢાંકણું ચોરાઇ ગયું હતું. જેની અમને જાણ નહોતી.

અન્ય સમાચારો પણ છે...