વાલીઓના ખીસ્સા પર ભારણ વધ્યું:પાટણમાં ચોપડા-નોટબુક અને સ્કૂલ યુનિફોર્મની ખરીદીનો ધમધમાટ શરૂ, ભાવમાં 30થી 35 ટકાનો તોતીંગ વધારો

પાટણ17 દિવસ પહેલા
  • નોટબુકો અને ચોપડાઓ સહિત સ્ટેશનરીના ભાવમાં 30થી 35 ટકાનો તોતીંગ વધારો
  • યુનિફોર્મ અને સ્કૂલ બેગ જેવી વસ્તુઓના ભાવમાં પણ 20 ટકાનો વધારો

પાટણ જીલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં જૂન 2022ના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભની ઘડીઓ ગણાઇ રહી છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે પાટણ શહેરમાં ચોપડા, નોટબુક અને સ્કૂલ યુનિફોર્મની ખરીદીનો ધમધમાટ ધીમા પગલે શરૂ થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્ટેશનરી સહિત સ્કૂલ યુનિફોર્મના ભાવમાં વધારો થતાં વાલીઓના ખીસ્સા પર આર્થિક બોજો પડશે.

સોમવારથી નવીન શૈક્ષણિક સત્રનો પ્રારંભ

34 દિવસ બાદ ઉનાળુ વેકેશન 12 જૂનના રોજ પૂર્ણ થઇ રહ્યું છે. તા. 13 જૂન અને સોમવારથી જૂન માસના નવીન શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. પાટણ જિલ્લાની શાળાઓ બે લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠશે. શાળાઓમાં વેકેશન પૂર્ણ થયા બાદ બે વર્ષ પછી નવું શૈક્ષણિક સત્ર ઓફલાઇન મોડમાં શરૂ થવા જઇ રહ્યું છે.

નવું શૈક્ષણિક વર્ષ ખીસ્સા પર ભાર વધારનારું બની રહેશે

ત્યારે વિદ્યાર્થીઓ પણ શાળાએ જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. જો કે પાટણ શહેર સહિત જિલ્લાના વાલીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ ખીસ્સા પર ભાર વધારનારું બની રહેશે. એક તરફ ખાનગી શાળાઓમાં ફીના કારણે વાલીઓ પહેલેથી જ આર્થિક બોજા તળે આવી ગયા છે. તો ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોટબુકો અને ચોપડાઓ સહિત સ્ટેશનરીના ભાવમાં 30 થી 35 ટકાના તોતીંગ ભાવવધારાના કારણે વાલીઓ માટે સ્કૂલ શરૂ થતા પૂર્વેની તૈયારીઓ પણ મોંઘી બની રહી છે.

પુસ્તકોના ભાવમાં પણ વધારો થયો - વેપારીઓ

સ્ટેશનરીનો વેપાર કરતા વેપારી જણાવી રહ્યા છે કે, બે વર્ષના કોરોના સમય બાદ ચોપડાના ભાવમાં તોતીંગ વધારો થયો છે. તો ભાવ વધારાની સાથે સાથે 200 પેજના ચોપડા જે 80થી 100 રૂપિયાના ભાવે મળતા હતા, તેમાં 180 પેજમાંથી ઘટાડી 104 પેજ કરી દીધા છે. સાથે જ ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત પુસ્તકોના ભાવમાં પણ વધારો થયો હોવાનું વેપારીએ જણાવ્યું હતું.

યુનિફોર્મ અને બેગના ભાવમાં પણ 20 ટકાનો વધારો

તો નવા શૈક્ષણિક સત્રમાં ચોપડા-સ્ટેશનરીને બાદ કરતા બાળકોના સ્કૂલ યુનિફોર્મ અને સ્કૂલ બેગ જેવી વસ્તુઓના ભાવમાં પણ 20 ટકાનો વધારો થવા પામ્યો છે. જેનો બોજો વાલીઓએ સહન કરવાનો આવ્યો છે. હાલમાં પાટણની બજારમાં સ્કુલને લગતી તમામ ચીજવસ્તુઓની ખરીદીની ધીમા પગલે શરુઆત થઇ ચુકી છે. વર્ષ 2019ના વર્ષની સરખામણીએ આ વખતે વાલીઓ વધારે ભાવ ચુકવવા માટે મજબુર બની રહ્યા છે. સ્કૂલમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રોડક્ટોની સાથે સાથે યુનિફોર્મ તેમજ સ્કૂલ રિક્ષા અને વાન ભાડામાં પણ વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...