• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • BJP Announced Candidates For Siddhapur And Chansma Seats But Did Not Announce Candidates For The Disputed Patan Radhanpur Seats.

સસ્પેન્સ:ભાજપે સિદ્ધપુર અને ચાણસ્મા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા વિવાદિત પાટણ-રાધનપુર બેઠકના ઉમેદવાર જાહેર ન કર્યા

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્મા બેઠક પર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર રિપીટ, સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપુતને ભાજપે ઉતાર્યા
  • રાધનપુર બેઠક પર ઠાકોર અને પાટણ બેઠક પર પાટીદારને ભાજપ મેદાનમાં ઉતારશે તેવી શક્યતા

વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચાર બેઠકમાંથી ભાજપે ચાણસ્મા અને સિદ્ધપુર બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. પાટણ અને રાધનપુર બેઠક પર હજુ સસ્પેન્સ યથાવત રાખ્યું છે. ચાણસ્મા બેઠક પર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર ને રીપીટ કરાયા છે. જ્યારે સિદ્ધપુર બેઠક પર જીઆઇડીસી ના પૂર્વ ચેરમેન બળવંતસિંહ રાજપુતને ટિકિટ આપવામાં આવી છે. જોકે બંને બેઠક પર ભાજપે જાણીતા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સિદ્ધપુર બેઠક પર ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસની નારાજગી બળવંતસિંહને ભારે પડી શકે તેવી ગણતરી થઈ રહી છે.

પાટણ જિલ્લાની ચારે બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે.એટલે ભાજપે ચાણસ્મા અને સિધ્ધપુર બંને બેઠક પર ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિવાદી રાજકારણના પત્તા ફેંક્યા છે. ચાણસ્મા બેઠક પર એક લાખથી વધુ ઠાકોર વોટ બેન્ક છે.જ્યારે સિદ્ધપુર બેઠક પર 77,000 જેટલા ઠાકોર મતદારો છે. આ વખતે સિદ્ધપુર બેઠક પર સૌની નજર મંડરાયેલી રહેશે કારણ કે પૂર્વ મંત્રી અને ભાજપના પૂર્વ વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસ આ વખતે ભાજપ સાથે નથી એટલું જ નહીં તેઓ ભાજપના ઉમેદવારની સામે આવે તેવી પૂરી શક્યતા છે એટલે આ બેઠક પર રસાકસીનો જંગ રહેશે.

પાટણ અને રાધનપુર માં ભાજપે પત્તાં ન ખોલ્યા
ભાજપ દ્વારા પાટણ અને રાધનપુર બે બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા નથી જેને લઈને ઉત્સુકતા અને સસ્પેન્સ ની સ્થિતિ બની રહી છે.રાધનપુર માં પણ ઠાકોર મતદારોનું પલ્લુ ભારે હોવાથી ભાજપ ત્યાં પણ ઠાકોર ઉમેદવાર ને જ મેદાને ઉતારશે . જ્યાં અલ્પેશ ઠાકોર લવિંગજી સોલંકી નાગરજી ઠાકોર પ્રબળ દાવેદાર ગણાય છે .પાટણ બેઠક પર પાટીદાર ઉમેદવાર ની પ્રબળ શક્યતા જણાઈ રહી છે. પાટણ બેઠક માટે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ મોહનલાલ પટેલ, રણછોડ રબારી વગેરે સિનિયર માટે પ્રબળ શક્યતા છે.

બે પેઢીથી ભાજપ સાથેનો નાતો દિલીપ ઠાકોરને ફળ્યો
ચાણસ્મા બેઠક પર ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને ઉમેદવાર તરીકે રીપીટ કર્યા છે. કારણકે આ બેઠક પર વર્ષોથી તેમનું પ્રભુત્વ રહેલું છે. તેમના પિતા ત્રણ વખત ચૂંટાયા હતા. તેઓ સતત ચાર વખત ચૂંટણી જીત્યા છે. તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે અને ઠાકોર સમાજનું આ બેઠક પર પ્રભુત્વ છે તેઓ વર્ષોથી રાજકારણમાં હોવા છતાં સ્વચ્છ છબી ધરાવે છે. તેમણે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અને રઘુભાઈ દેસાઈ જેવા નેતાઓને પણ હરાવ્યા હતા. ભાજપ સાથે તેમનો બે પેઢી જૂનો નાતો છે.

બળવંતસિંહએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો તેનું ભાજપે ટિકિટ આપી ઋણ ચુકવ્યું
સિદ્ધપુર બેઠક પર ભાજપે જીઆઇડીસીના પૂર્વ ચેરમેન બળવંતસિંહ રાજપુતની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે કારણ કે તેમનું કોંગ્રેસમાં આગવું સ્થાન હોવા છતાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. આ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે અને તેઓ ક્ષત્રિય હોવાના નાતે ઠાકોર સમાજ તેમને સ્વીકારશે તે દ્રષ્ટિ કોણ પણ તેમની પસંદગીમાં જોવાયો હોવાનુ મનાય છે. ઉપરાંત ઉદ્યોગપતિ હોવાથી આર્થિક સંપન્ન છે અને અગાઉ આ બેઠક પર તેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જયનારાયણ વ્યાસ બાદ આ વિસ્તારનું રાજકીય દ્રષ્ટિકોણથી મોટું માથું છે.

અન્ય સમાચારો પણ છે...