તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યુષણ પર્વ:પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં મંગળવારે સવારે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચન થશે

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યુષણ મહાપર્વની આઠ દિવસીય આરાધના ચાલી રહી છે
  • પર્વના ચોથા દિવસે મુનિરાજ ચારિત્રરત્ન વિજય મહારાજે કલ્પસૂત્ર ગ્રંથનું વર્ણન કર્યું

પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણા 34ની પાવન નિશ્રામાં ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ દ્વારા પર્યુષણ મહાપર્વની આઠ દિવસીય આરાધના તપ ત્યાગ તેમજ આરાધના રુપે ચાલી રહી છે. પર્વના ચોથા દિવસે મુનિરાજ ચારિત્રરત્ન વિજય મહારાજે કલ્પસૂત્ર ગ્રંથનું વર્ણન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામીએ વગેરેએ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સમક્ષ સમવસરણમાં ‘દશા’ અધ્યયનરૂપ ઉપદેશ આપ્યો હતો. એનો સંગ્રહ ‘દશાશ્રુતસ્કંધ’ નામના આગમ ગ્રંથમાં કરવામાં આવ્યો છે.

આ આગમનું આઠમું અધ્યયન જ ‘શ્રીકલ્પસૂત્ર’ નામે પ્રસિદ્ધ છે. શ્રીકલ્પસૂત્ર આ રીતે મહાવીર સ્વામીની વાણીરૂપ છે. એનું ગુંથન ગણધરોએ કરેલું અને ત્યારબાદ 14 પૂર્વઘર શ્રી ભદ્રબાહુ-સ્વામી મહારાજે એને શબ્દરૂપ આપેલું. અનેક આચાર્ય ભગવંતો એ આ આગમના ભાવો સમજાવવા માટે ટીકા ગ્રંથોની સંરચના કરેલી છે.

મુનિરાજે વાંચન કરી તેનો મહિમા સમજાવ્યો
પર્યુષણ મહાપર્વના ચોથા દિવસથી કુલ નવ વ્યાખ્યાનો દ્વારા શ્રીકલ્પસૂત્રનું વાચન કરવાની વિધિ શાસ્ત્રોમાં બતાવેલી છે. કલ્પસૂત્રનું વાચન મંગલ માટે છે. કારણ કે એમાં મંગલરૂપ તીથઁકરો, ગણધરો, સ્થવિરોના જીવન ચરિત્રોના વર્ણન આવે છે. એટલું જ નહીં જીવનને માંગલ્યરૂપ બનાવનારા સાધુ ધર્મના વિવિધ આચારો, ઉત્સર્ગો અને અપવાદોનું પણ વિશિષ્ટ વર્ણન આવે છે. મુનિરાજ નિપુણરત્ન વિજયજી મહારાજે કલ્પસુત્રના પહેલા અને બીજા પ્રવચનનાં પ્રત્યેક અક્ષરનું વાંચન કર્યું અને તેના મહિમા સમજાવ્યો હતો.

કલ્પસૂત્ર ગ્રંથની પ્રતિ ગુરુ ભગવંતને અર્પણ કરાઈ
ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયના અગ્રણી અલકેશ મારવાડીએ જણાવ્યું કે, શ્રી કલ્પસૂત્ર ગ્રંથની પવિત્ર પોથીને મુખ્ય માર્ગથી શોભાયાત્રાના રુપે વાજતે-ગાજતે ઉપાશ્રયે લવાઈ છે. ગુરુ ભગવંતોનું માંગલિક મેળવી કલ્પસૂત્રનું વિધિવત્ વાસક્ષેપ તેમજ અષ્ટપ્રકારી દ્રવ્યોથી પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ સોના-રૂપાનાં પુષ્પો ચઢાવાયાને જ્ઞાનની આરતી ઉતારવામાં આવી હતી અને ઉલ્લાસભેર કલ્પસૂત્ર ગ્રંથની પ્રતિ ગુરુ ભગવંતને અર્પણ કરાઈ છે. તેમજ સંઘને કલ્પસૂત્ર સંભળાવવાની વિનંતી કરવામાં આવી.

સવારે 9થી બપોરના 12 વાગ્યા સુધી મહાવિર સ્વામીનું જન્મ વાંચન
નીતીન મોરખીયાએ જણાવ્યું હતું કે, ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ આયોજિત ભગવાન મહાવીર સ્વામીનુ જન્મ વાંચન અને સ્વપ્ન દર્શન મંગળવારે સવારે 9વાગે પ્રારંભ થઈને 12 વાગે પુર્ણ થશે. ત્યારબાદ ભગવાનનું પારણું અને સ્વપ્ન બપોરે 4 વાગ્યા થી 8 વાગ્યા સુધી જૈન સમાજ તેમજ પાટણના સમસ્ત નાગરિકો માટે દર્શનાર્થે મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...