બેદરકાર તંત્ર:માત્ર 3 ઇંચ વરસાદમાં પાટણ બન્યું ભૂવા નગર, નાના મોટા 25 જેટલાં ગાબડા અને પાણી ભરાતાં પરેશાની

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા અને પીડબ્લ્યુડી તંત્રનો પ્રિ મોન્સુન પ્લાનિંગ કાગળ ઉપર જ રહ્યું
 • વિવિધ કારણોસર શહેરના અલગ અલગ વિસ્તારોમાં જમીન બેસી જવાના કારણે ભૂવા સર્જયા : નગરપાલિકા બાંધકામ વિભાગ
 • પાટણ શહેરને હારિજ હાઇવેને જોડતા લીંક રોડ પર કમર તોડ ખાડા છતાં અધિકારીઓને દેખાતા નથી

પાટણ જિલ્લામાં રાધનપુરમાં સાત અને પાટણમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાતા નગરપાલિકા અને પીડબ્લ્યુડી તંત્રનો પ્રિ મોન્સુન પ્લાનિંગ કાગળ ઉપર જ રહ્યું હતું.શહેરમાં બે દિવસમાં નાના મોટા 25 જેટલા ભૂવા સર્જાયા હતા. જેના લીધે લોકોની અવરજવર અને વાહન વ્યવહારમાં ભારે અવરોધ સર્જાયો હતો. જોકે સોમવારે બપોર સુધીમાં તમામ ભુવામાં પુરાણ કરી દેવામાં આવ્યું હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. સોમવારે પણ સવારથી વરસાદી માહોલ રહ્યો હતો અને હળવા ઝાપટા ચાલુ રહ્યા હોવાના કારણે મોટાભાગના માર્ગો પર પાણી જોવા મળ્યા હતા.

નાણાં ખર્ચ થાય છે પણ ચોકસાઈ રખાતી નથી
નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા માટે ખર્ચ કરવામાં આવી રહી છે. તેમાં રોડ રસ્તાના લેવલ જળવાતા નથી તેમજ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન થવાના કારણે પાણી ભરાઈ રહેવાની સમસ્યા દર વર્ષે થાય છે. હજુ તો પાશેરામાં પૂણી જેટલો વરસાદ છે. ત્યાં સંખ્યાબંધ ભુવા થયા છે. ત્યારે કામો કરતી વખતે ચોકસાઈ રાખવી જરૂરી છે તેમ વિપક્ષના ભરત ભાટીયાએ જણાવ્યું હતું.

આ કારણથી પડી રહ્યા છે ભૂવા
પાટણ શહેરમાં રોડ રસ્તા સમતલ ન હોવા, ઊંચાણ અને નિચાણના ભાગ હોવા, ભૂગર્ભ ગટર, ટેલીફોન લાઈન, ખાનગી મોબાઇલ કંપની દ્વારા ખોદકામ, સીસીટીવી કેમેરા નાખવા માટે ખોદકામ જેવા વિવિધ કારણોસર અલગ અલગ વિસ્તારોમાં જમીન બેસી જવાના કારણે ભુવા સર્જાઇ રહ્યા હોવાનું પાલિકા બાંધકામ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

આ વિસ્તારોમાં આ કારણે પાણી ભરાઈ રહ્યાં

 • ગૌરવ પથ ઉપર : ફૂટપાથ પાસે ઢાળ હોવાના કારણે -ફતેસિંહ રાવ લાયબ્રેરી પાસે : રોડ સમતલ ન હોવાના કારણે
 • કે કે ગર્લ્સ હાઇસ્કૂલ રોડ મસ્જિદ પાસે: નીચાણ વાળો વિસ્તાર હોવાથી
 • પોલીસ અધિક્ષક કચેરી અને નવા બસ સ્ટેશન પાસે: ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોવાના કારણે
 • ડિસ્ટ્રિક્ટ કોર્ટ શ્રમજીવી રોડ પાસે : એસપી કચેરીની દીવાલ અડીને આવેલી ખુલ્લી ગટર સાફ ન થવાના કારણે
 • મોતીસા ચોક બળીયા પાડા ચોક : આજુબાજુના રોડના લેવલ ઊંચા થઈ જવાના કારણે
 • રેલવે બીજું ઘરનાળુ : ખાડા વાળો ભાગ હોવાથી
 • જળચોક દુખવાડા પાસે : પાણી નિકાલ રસ્તો અવરોધાવાના કારણે
 • કોલેજ રોડ ઉપર ત્રિકોણીયાથી સિધ્ધરાજ નગર સોસાયટી પાસે : રસ્તાનું લેવલ ન હોવાથી

આ વિસ્તારમાં સર્જાયા ભૂવા
શહેરના હાર્દ સમા ચતુર્ભૂજ બાગ પાસે સીસીટીવી કેમેરા લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવતા નજીક નજીકમાં 6 ભુવા સર્જાયા હતા. વી કે ભૂલા શાળા પાસે જીઇબીની લાઈન અને ટેલીફોન લાઈનના ખોદકામના કારણે નાના ભુવા સર્જાયા હતા. શહેરમાં વાદી સોસાયટી રોડ, ગુલશન નગર, લીલીવાડી પાસે, અંબાજી નેળિયામાં રાધેશ્યામ સોસાયટી પાસે મોટા ભુવા સર્જાતા જેમાં છથી સાત ટ્રેક્ટર સામગ્રી વડે જ્યારે અન્ય 20 જેટલા વિસ્તારોમાં બેથી ત્રણ ટ્રેક્ટર જેટલા સામાનથી પુરાણ કરવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...