તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ધારપુર હોસ્પિટલમાં 8 મેટ્રિક ટન ઓક્સિજન અર્પણ કરાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાએ ધાર્મિકતાની સાથે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

કોરોનાની કપરી પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં સંક્રમિત બનેલા કોરોના પોઝિટિવ દર્દીઓને સમયસર અને પુરતી માત્રામાં ઓક્સિજન સપ્લાય મળી રહે તેવા ઉમદા પ્રયાસો બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી દ્વારા કરવામાં આવ્યો છે. અને અબુધાબી ખાતેનાં બીએપીએસ હિન્દુ મંદિરની પ્રેરણાથી ત્યાંના હિન્દુ પરિવારજનોનાં સૌજન્યથી 440 મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ ગુજરાત માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ત્યારે તેની ફલશ્રૃતિએ પ્રથમ ઓક્સિજન શિપમેન્ટ 44 મેટ્રિક ટન સાથે બે કાયોજૈનિક ટેન્કરો મારફતે દુબઈથી ગુજરાતમાં પહોંચાડવામાં આવ્યું છે.

ઓક્સિજન કોરોના સંક્રમિત દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવશે

ગુજરાતમાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાઓ દ્વારા ગુજરાત સરકાર સાથેનાં સંયોજન દ્વારા નક્કી કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલમાં આ ઓક્સિજન નિઃશુલ્ક કોરોના સંક્રમિત દર્દીઓની સેવા માટે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રવિવારના રોજ પાટણની ધારપુર કોવિડ હોસ્પિટલમાં પ.પૂ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નાં આશિર્વાદથી બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પાટણના પ.પૂ.ઉતમપ્રિય સ્વામી અને પ.પૂ. નિત્યસેવા દાસ સ્વામીની ખાસ ઉપસ્થિત વચ્ચે 8 મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ અર્પણ કરવાનો કાર્યક્રમ પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડિ.કે. પારેખ, પાટણ ધારાસભ્ય ડો.કીરીટ પટેલ, ધારપુર મેડિકલ હોસ્પિટલના ડિન ડો. યોગેશાનંદ ગોસ્વામી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનીષ રામાવત, સિદ્ધહેમ સેવાગ્રુપના સ્નેહલ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો.

ધાર્મિક સેવા કાર્યોની સાથે સાથે સામાજિક સેવાઓનું ઉત્તમ ઉદાહરણ

બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી અને હિન્દુ પરિવારનાં સૌજન્યથી ગુજરાતને મળેલા ઓક્સિજનને રવિવારે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે અપૅણ કરાતા પાટણ જિલ્લા વિકાસ અધિકારી પારેખે જણાવ્યું હતું કે ધાર્મિક સેવા કાર્યોની સાથે સાથે સામાજિક સેવાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન તેમજ અબુધાબી ખાતે રહેતા હિંદુ પરિવારની કોરોનાના કપરા સમયમાં સંક્રમિત બનેલા ગુજરાતના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવાની ભાવના ખરેખર સરાહનીય હોવાનું જણાવ્યું હતું.

ઓક્સિજનની સેવા ખરેખર નવજીવન આપનાર બની રહેશે

પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે પણ કોરોના સંક્રમિત દર્દીઓને સારવારમાં મહત્વરૂપ બનતા ઓક્સિજનની જરૂરિયાત સમયે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ ઓક્સિજન પૂરો પાડીને ધાર્મિકતાની સાથે સાથે માનવતાનુ પણ ઉત્તર દાયિત્વ નિભાવ્યુ છે. ધારપુર મેડિકલ હોસ્પિટલ ડિન ડો. યોગેશાનંદ ગોસ્વામી તેમજ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનીષ રામાવતે પણ ધારપુરમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને આ ઓક્સિજનની સેવા ખરેખર નવજીવન આપનાર બની રહેશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પ.પૂ.ઉતમપ્રિય સ્વામી અને પ.પૂ.નિત્યસેવા દાસ સ્વામીએ કોરોના સંક્રમિત દર્દીઓના સ્વાસ્થ્ય માટે કામના વ્યક્ત કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...