રાજ્યમાં પાટણ અને બનાસકાંઠા સહિત 15 જિલ્લાઓમાં ગાયોમાં લંમ્પી સ્કીન ડિસીઝનો રોગચાળો દિન પ્રતિદિન વક્રી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ રોગચાળાને રોકવા અને તેના નિયંત્રણ માટે 15 જિલ્લાઓને નિયંત્રણ વિસ્તાર તરીકે જાહેર કરાયા છે. આ જિલ્લાઓમાં ગાય વર્ગના પશુઓને જ્યાં રાખવામાં આવેલા છે ત્યાંથી તેની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે જિલ્લામાં કે બહારના અન્ય સ્થળોએ વેપાર મેળા, પ્રદર્શન, હરીફાઈ અને મેળાવડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બુધવારે પાટણ ખાતે મળેલી લંમ્પી સ્કીન ડીસીઝના બચાવ અને નિયંત્રણ માટે રચાયેલી સંકલન સહ મોનિટરિંગ કમિટીની પ્રથમ મિટિંગમાં આ જાહેરનામાની અમલવારી કરવા માટે કલેકટર દ્વારા પશુપાલન, પોલીસ અને આરટીઓ સહિતના વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ હતી. ગાયોમાં લંમ્પી
વાયરસનો રોગચાળો ફેલાતા રાજ્ય સરકાર દ્વારા લંપી સ્કિન ડીસીઝના બચાવ અને નિયંત્રણ માટે જિલ્લા કક્ષાની સંકલન સહ મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે તેના અધ્યક્ષ તરીકે કલેક્ટરની નિમણૂક કરાઈ છે કમિટીમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા આરોગ્ય અધિકારી, મેલેરિયા અધિકારી, આરટીઓ અને તમામ ચીફ ઓફિસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બુધવારે પાટણ કલેક્ટર કચેરી ખાતે આ કમિટીની પ્રથમ મિટિંગ મળી હતી. જેમાં પાટણ જિલ્લામાં લંમ્પી વાયરસથી કેટલા પશુઓ સંક્રમિત છે કેટલા તાલુકા અને કેટલા ગામો અસરગ્રસ્ત બન્યા છે તેમની સારવારની દવાઓની સ્થિતિ સહિતની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચેપી રોગને અટકાવવા અને નિયંત્રણ માટે રાજ્ય સરકારના કૃષિ અને સરકારી વિભાગ દ્વારા પ્રાણીઓના અધિનિયમ 2009 અન્વયે પાટણ જિલ્લા સહિત રાજ્યના 15 જિલ્લાને કંટ્રોલ એરિયા તરીકે જાહેર કરાયા છે અને ગાય વર્ગના પશુઓની હેરાફેરી, પશુ મેળા, પશુ વેચાણ, પશુ બજાર, પશુ પ્રદર્શન અને પશુ હરીફાઈ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રતિબંધની અમલવારી કરાવવા માટે પોલીસ અને આરટીઓ સહિતના અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત આ રોગચાળો માખી, મચ્છર અને ઈતરડીથી ફેલાતો હોવાથી મચ્છરોના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવા આરોગ્ય તંત્રને સૂચના આપી હતી તેવું નાયબ પશુપાલન નિયામક વી.બી.પરમારે જણાવ્યું હતું.
વધુ 20 કેસ મળતા 16 ગામોમાં 77 કેસ થયા
પાટણ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા 520 ગામોમાં ટીમો મારફતે ગાયોમાં લંમ્પી વાયરસના રોગ શાળાનો સર્વે ચાલી રહ્યો છે જેમાં અત્યાર સુધી સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકામાં વાયરસથી સંક્રમિત થયેલી 57 ગાયો મળી આવી હતી. બુધવારે વધુ 20 સંક્રમિત ગાયો મળી છે એટલે કે જિલ્લાના 16 ગામોમાંથી 77 કેસ મળ્યા છે જેમાં સરસ્વતી તાલુકામાં પણ એદલા ગામમાંથી એક ગાયને લંમ્પી વાયરસની બીમારી જણાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.