સિદ્ધપુરમાં ઉત્સાહ:બલવંતસિંહ કેબિનેટ મંત્રી બનતા પાટણ જિલ્લાની વિકાસની ગાડીને વેગ મળશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી વિજેતા બનેલા બલવંતસિંહ રાજપૂતની રાજ્યના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે પસંદગી થતાં સમગ્ર સિદ્ધપુર પંથક અને પાટણ જિલ્લા વિસ્તારમાં સૌ આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી.

બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ તેમજ ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગ ફાળવાયો છે.મંત્રીમંડળની શપથવિધિ બાદ અમદાવાદ ગોકુલ ખાતે બળવંતસિંહ રાજપુતનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, નગરપાલિકા પૂર્વપ્રમુખ હેમંત તન્ના તેમજ સિદ્ધપુર નગરપાલિકા, શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કેબિનેટ મંત્રી બનેલા બલવંતસિંહ રાજપુતનું ઉમળકાથી અભિવાદન કર્યું હતું.

સન્માનના પ્રતિભાવમાં સૌના પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મંત્રી બન્યા બાદ તેઓ સોમ, મંગળ, બુધવારે ગાંધીનગર બેસશે, જેથી તેમને મળવા આવવું હોય તો ચિઠ્ઠીની કોઈ જરૂર રહેશે નહીં, દરવાજો ખોલીને અંદર આવી શકાશે. વધુમાં તેમણે કહ્યું કે, દર શનિવારે તેઓ સિદ્ધપુર ખાતે બેસશે, તે ઉપરાંત પાટણ જિલ્લા ભાજપ સંગઠન ગોઠવશે તો અઠવાડિયામાં એક દિવસ તેઓ પાટણ સર્કિટ હાઉસ ખાતે બેસશે, જ્યાં જિલ્લાના પ્રશ્નો અને વિકાસ કામો અંગે રજુઆત સાંભળશે, જેથી લોકોને અને કાર્યકરોને ગાંધીનગર ખાતે લાંબા થવું નહિં પડે.

ઉલ્લેખનીય છે કે, બલવંતસિંહ રાજપૂતને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો મળતા સિધ્ધપુર મત વિસ્તાર સહિત પાટણ જિલ્લાના વિકાસને વેગ મળશે અને જિલ્લાની વિકાસની ગાડી ડબલ એન્જીનની તાકાતથી ઝડપી ગતિએ આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...