'મિશન ગ્રીન પાટણ':સરસ્વતી તટ પર ઓક્સિજન વન ઉભું કરવાનો પ્રયાસ, સૂકીભઠ સરસ્વતી નદી 65 હજાર વૃક્ષોથી લીલીછમ દેખાય છે

પાટણએક મહિનો પહેલા
 • 20 એકરમાં લુપ્ત થતા વૃક્ષો અને ઔષધિઓ મળી બે વર્ષમાં 65 હજાર વૃક્ષોનું સહસ્ત્ર તરુવન નિર્માણ કરાયું
 • સહસ્ત્ર તરુવનમાં નેપાળના પશુપતિનાથ સમાન મહાદેવનું મંદિર બનાવામાં આવ્યું

દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવવા પાછળનો હેતુ પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા આવી શકે તેવો છે. પર્યાવરણના જતન માટે કાર્યરત મિશન ગ્રીન ટીમ પાટણ દ્વારા શહેરના સરસ્વતી નદીના કાંઠે 20 એકરમાં લુપ્ત થતા વૃક્ષો અને ઔષધિઓ મળી બે વર્ષમાં 65 હજાર વૃક્ષોનું સહસ્ત્ર તરુવન નિર્માણ કરાયું છે.

20 એકર જમીનમાં વૃક્ષોનું વાવેતર
પાટણમાં સરસ્વતી નદી કિનારે 26 જૂલાઈ 2020 વિશ્વ કારગીલ વિજય દિવસ નિમિત્તે પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન, રોટરી ક્લબ, આર્યવ્રત નિર્માણ, આર્ટ ઓફ લિવિંગ સહિત વિવિધ સંસ્થાઓ તેમજ વન વિભાગ, સિંચાઈ વિભાગ, નગરપાલિકા, APMC અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના સહયોગથી પર્યાવરણ અને શહેરની સુરક્ષા માટે 'મિશન ગ્રીન પાટણ અભિયાન' અંતર્ગત સરસ્વતી નદીના પુલ પાસે નદીના કિનારા પર આવેલા સિંચાઈ વિભાગની 20 એકર જમીન એટલે કે અંદાજે દોઢ કી.મીના સીધા પટ્ટામાં તત્કાલીન કલેકટર આનંદ પટેલના સહયોગથી સહસ્ત્ર તરુવન બનાવવાનો આરંભ કર્યો હતો.

1000 જેટલા લુપ્ત જાતિના વૃક્ષોને ઉગાડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો
વર્ષ દરમિયાન વનમાં સંસ્થાઓ અલગ અલગ જમીનના વિભાગો નક્કી કરી તેમાં અલગ-અલગ પાંચ વન ઉભા કરી અંદાજે 308 પ્રકારના લુપ્ત થતા વૃક્ષો તેમજ પર્યાવરણમાં ઓક્સિજન માત્રા વધારતા અને કુદરતની સાયકલમાં ઉપયોગી વૃક્ષો, ફળ-ફુલના વૃક્ષો મળી અત્યાર સુધીમાં અંદાજે 45 હજાર જેટલા વૃક્ષો રોપી પાણી માટે ડ્રિપ પદ્ધતિનો ઉપયોગ કરી ઉછેર કરવામાં આવતા વૃક્ષો પાંગરી ઉઠ્યા છે. વનમાં લુપ્ત થઇ રહેલા વૃક્ષો વધુ વાવવામાં આવે તે માટેના પ્રયાસ છે. જેથી આગામી 2 વર્ષમાં 1000 જેટલા લુપ્ત જાતિના વૃક્ષોને ઉગાડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. એટલે જ તેનું નામ સહસ્ત્ર તરુવન રાખવામાં આવ્યું. આ વનમાં હાલમાં વૃક્ષારોપણ શરૂ છે.

આનંદેશ્વર મહાદેવનું મંદિર પણ બનાવવામાં આવ્યું
આ વનમાં નેપાળમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિરના પ્રતિકૃતિ સમાન નદી કાંઠે આનંદેશ્વર મહાદેવનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર નદી કિનારાનો નજારો પ્રવાસી સ્થળ સમાન બની ગયો છે. હરિયાળીથી શોભતા નદીના કાંઠાને લઈ સૂકી ભટ્ટ સરસ્વતી આકાશી નજારામાં વૃક્ષોથી લીલીછમ દેખાય છે. તરુવન નિર્માણમાં ફેન્સિંગ તારની વાડ, પાણી માટે ડ્રિપની પાઇપો સહીત વૃક્ષો મળી અત્યાર સુધીમાં કુલ 35 લાખથી વધુનો ખર્ચ કરાયો છે.

આગામી સમયમાં વધુ વૃક્ષો વાવવામાં આવશે
આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટના નિલેશભાઈ રાજગોરએ જણાવ્યું હતું કે, આ સરસ્વતી તરું વન દોઢ કિલોમીટરમાં છે અને વધુ દોઢ કિલોમીટરમાં વૃક્ષ વાવવાના છે. હાલમાં 308 જાતીના 65 હજાર જેટલા વૃક્ષ વિવિધ સંસ્થાઓ દ્વારા વાવવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુ વૃક્ષો વાવવામાં આવશે. આગામી સમયમાં નવા નવા આયામો પયાવારણને લાગતા બનશે અને પાટણનું ઘરેણું બનશે. ગુજરાત જ નહીં પરંતુ દેશમાં એક એવું સહસ્ત્ર તરુંવન નિર્માણ થશે જે ખરા અર્થમાં પકૃતિ અને પર્યાવરણનું સર્વરક્ષણ અને સવવર્ધનનું સાચું કેન્દ્ર ગણાશે.

20 એકરના વનમાં વિવિધ સોપાનો

 • કારગીલ વિજય વન (મિયાવકી પદ્ધતિથી)
 • સરસ્વતી પીંપળ વન (આર્યવ્રત, નિર્માણ સંસ્થા)
 • ગુલગર વન
 • ઔષધિય વન (આર્ટ ઓફ લિવિંગ દ્વાર મિયાવકી પદ્ધતિથી)
 • વન તલાવડી
 • વિજય વૃક્ષ મંદિર

લુપ્ત થતા આ વૃક્ષો વાવવામાં આવ્યા

 • સેતુર
 • આંબલી
 • ગુંદા-ગુંદી
 • શિમળો
 • કરમદા
 • અર્જુન સાદર
 • મહુંડો
 • બહેડા
 • કૈલાશપતિ
 • પ્રાઇડઓફ ઇન્ડિયા
 • ઉંબરો
 • પીપળો
 • વડ
 • રાયણ
 • પીલું
 • ખીજડો

હાલમાં ફક્ત 308 પ્રકારની જાતિ વાવવામાં આવી છે. કુલ 3 વર્ષમાં એક હજાર પ્રકારના વૃક્ષોની પ્રજાતિઓ વાવવાનો લક્ષ્યાંક છે.

અન્ય સમાચારો પણ છે...