પાટણ જિલ્લાનાં છેવાડાના સમી ગામમા પીવાનું પાણી અને સફાઈના અભાવના કારણે મહિલાઓ સહિતનાં ગ્રામજનોએ સમી પ્રાંત કચેરી ખાતે મંગળવારના રોજ હંગામો મચાવ્યો હતો. શહેરની પ્રાથમિક સુવિધાઓ સાથે પાણી અને સ્વચ્છતાની સુવિધા તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
પાટણ જિલ્લાનું સમી ગામ હવે વિકાસની દોડમાં છે, પરંતુ તંત્ર દ્વારા કરવામાં આવતી આડેધડની કામગીરીને લઈ ગ્રામજનો પરેશાન છે. ત્યારે આખરે ગ્રામજનોએ કંટાળીને મહિલાઓને સાથે રાખીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સમી ગામમાં સુત્રોચ્ચાર સાથે ફરી પ્રાત કચેરી ખાતે આવી પહોચી હતી અને કચેરી કેમ્પસમાં પણ સુત્રોચ્ચાર કરી કેમ્પસને ગજવી મુક્યું હતું. ત્યારબાદ કચેરી ખાતે ધરણા સાથે ઉગ્ર દેખાવો કરીને પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સમીની મહિલાઓ સહિત ગ્રામજનો દ્વારા પ્રાત અધીકારીને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સમી ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સ્વચ્છતા, સફાઈ, ભૂગર્ભ ગટરની સમસ્યાનો કોઈજ નિકાલ થતો નથી. ત્યારે સમીનાં નગરજનોની પ્રાથમિક સુવિધાઓ સાથે પાણી અને સ્વચ્છતા બાબતે તાત્કાલિક વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.