આરંભ:નવા વર્ષના આરંભમાં જ પાટણ યુનિ.માં જ છાત્રોના ડિગ્રી સર્ટી પ્રિન્ટિંગનો આરંભ થશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકસાથે 100 સર્ટી પ્રિન્ટ થઈ શકે તેવું લેઝર કલર પ્રિન્ટિંગ મશીન 22 લાખના ખર્ચે ખરીદાયું
  • ​​​​​​​હવે બે વર્ષના બદલે બે માસમાં જ છાત્રોને ડીગ્રી સર્ટી મળી જશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ બે મહિનામાં જ ડિગ્રી સર્ટીઓ આપી શકાય તે માટે હવે પરીક્ષા વિભાગમાં પ્રિન્ટિંગ કરવા માટે 22 લાખના ખર્ચે જાપાનીઝ ટેકનોલોજી વાળું લેઝર ફાઈવ પ્રિન્ટિંગ મશીન વસાવવામાં આવ્યું છે.જેના મારફતે ડિગ્રી સર્ટી પ્રિન્ટ કરવા માટે ઇસી બેઠકમાં ઠરાવ કરી.કાગળ અને જરૂરી સામગ્રી માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી સામગ્રી પણ ખરીદી લેવામાં આવી છે. પરીક્ષા વિભાગના ટેકનિકલ સ્ટાફ દ્વારા 8 નવેમ્બરે વેકેશન પૂર્ણ થતાં જ નવા વર્ષના આરંભમાં પ્રથમ દિવસથી ડિગ્રી સર્ટીનું પરીક્ષા વિભાગમાં પ્રિન્ટિંગ શરૂ કરવામાં આવશે.

વેકેશન પૂર્ણ થતાં જ 1 લાખ છાત્રોના સર્ટી પ્રિન્ટ કરાશેે
વેકેશન પૂર્ણ થતાં માર્ચ 2019 -20ના બાકી એક લાખ છાત્રોના ડીગ્રી સર્ટી આપવાના બાકી હોય તેમના સર્ટીઓ પ્રિન્ટ કરવામાં આવશે. પ્રિન્ટિંગ મશીનમાં એક સાથે 100 સર્ટી પ્રિન્ટ કરવાની કેપિસિટી છે. રોજના અંદાજે મશીન મારફતે 10 હજાર સર્ટી પ્રિન્ટ કરવામાં આવશે.

પ્રથમવાર સર્ટીમાં સિક્યુરિટી કોડ અને લોગો મુકાયો
યુનિવર્સિટીમાં પ્રિન્ટ થતા ડીગ્રી સર્ટી બહાર કોઈ નકલી પ્રિન્ટ કરી ગેરરીતિ ન કરે અથવા કોઈ નકલી સર્ટી પ્રિન્ટ કરાવે તો તેની ખરાઈ માટે ટેક્નિકલ ટીમ દ્વારા તેમાં સ્પેશ્યલ એક નંબરીક કોડ મુકાયો છે.તેમજ લોગો જે સર્ટીમાં દેખાશે નહિ પરંતુ લેઝર લાઈટમાં જ જોઈ શકાશે.આ ડીગ્રી સર્ટીના કોડની ઈન્ફોર્મેશન ફક્ત એક જ વ્યક્તિ પાસે હશે.તેવું ટેક્નિકલ વિભાગના સિસ્ટમ એનાલિસિસ ભરત પટેલે જણાવ્યું હતું.

યુનિ.નો ખર્ચ,છાત્રોને સમય બચશે : પરીક્ષા નિયામક
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે બહાર પ્રિન્ટિંગ થતા એક ડીગ્રી સર્ટી 30 રૂપિયા આસપાસ ખર્ચમાં પડતું હતું.હવે તેના અડધા ખર્ચમાં જ સર્ટી યુનિવર્સિટીમાં પ્રિન્ટ કરી શકાશે.પહેલા પ્રિન્ટિંગ પ્રેસ વાળા સર્ટી પ્રિન્ટ કરી આપવામાં વિલંભ કરતા દોઢ બે વર્ષે છાત્રોને સર્ટી આપી શકતા.હવે બે જ માસમાં સર્ટી છાત્રોને મળી જશે.

અન્ય સમાચારો પણ છે...