આ વખતે દિવેલાનું ઉત્પાદન ઓછું હોવાના કારણે પાટણ માર્કેટયાર્ડમાં એરંડાની આવકમાં 50 ટકાનો ઘટાડો થતા છેલ્લા 15 દિવસમાં ભાવ રૂ.70ના વધારા સાથે સોમવારે રેકોર્ડ બ્રેક રૂ.1500ની સપાટીએ પહોંચતા ખુશીનો માહોલ પ્રસર્યો હતો. ભાવ વધતા ખેડૂતો અને વેપારીઓ પાસે સંગ્રહ કરી રાખેલો જથ્થો વેચાણ માટે આવતા આવક વધવાની શક્યતા છે.
પાટણ પંથકમાં આ વખતે દિવેલાના પાકમાં બગાડ થયો હોવાથી ઉત્પાદન પર માઠી અસર થતાં ઉત્પાદનમાં સરેરાશ ઘટાડો થયો છે જેના કારણે પાટણ માર્કેટયાર્ડમાં અત્યારે દર વર્ષની સરખામણીએ આવક ઓછી આવી રહી છે.આ ઉપરાંત છેલ્લા 15 દિવસમાં આવકમાં 50 ટકાનો ઘટાડો થઈ ગયો છે જેની સીધી અસર ભાવ પર પડતા ભાવમાં તેજી આવી છે.
એરંડાની માગની સામે આવક ઓછી હોવાથી ભાવ ઊંચકાયા છે 15 દિવસ અગાઉ 2 મેના રોજ પાટણ માર્કેટયાર્ડમાં 14354 બોરી દિવેલાનો જથ્થો આવી રહ્યો હતો તેની સામે હાલમાં માત્ર 7305 બોરી જથ્થો આવે છે. માત્ર 15 દિવસમાં આવકમાં 50 ટકાનો ઘટાડો થયો છે ત્યારે આવકમાં પ્રતિ મણે રૂ.70ના વધારા સાથે ભાવ 1500ની સપાટીએ પહોંચ્યો છે. 2 મેના રોજ પ્રતિ મણે 1385 થી 1430 સુધીના ભાવ હતા જે હાલમાં 1440 થી 1502 સુધીના ભાવ મળી રહ્યા છે.
દિવેલાના ભાવ અને આવક
તા. | નીચા ભાવ | ઊંચા ભાવ | આવક બોરી |
10 મે | 1390 | 1434 | 10421 |
11 મે | 1400 | 1452 | 12193 |
12 મે | 1410 | 1458 | 8730 |
13 મે | 1420 | 1471 | 7272 |
14 મે | 1430 | 1484 | 7502 |
16 મ | 1440 | 1502 | 7305 |
માર્કેટયાર્ડમાં આવક 50 ટકા થઇ જતાં ભાવ વધ્યા
હારિજ માર્કેટયાર્ડના સેક્રેટરી નરસીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વખતે એરંડાનું ઉત્પાદન ઓછું હોવાના કારણે આવક ઓછી આવી રહી હોવાથી ભાવ ઊંચકાયા છે છેલ્લા અઠવાડિયામાં પ્રતિ મણે રૂ 50 નો વધારો થયો છે સાથે ભાવ રૂ 1500 સુધી પહોંચ્યો છે હારીજ માર્કેટ યાર્ડમાં હાલમાં 6000 બોરી એરંડાની આવક આવવી જોઈએ તેની સામે માત્ર 3000 બોરી આવી રહી છે જ્યારે પાટણ માર્કેટ યાર્ડમાં 15000 બોરી આવવી જોઈએ તેની સામે માત્ર 7000 બોરી આવી રહી છે જેના કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.