પાટણ જિલ્લામાં કોરોના મૃતકોના 73 વારસદારોને સહાય આપવા માટે તંત્ર પાસે ગ્રાન્ટ ન હોવાના કારણે ચુકવણું ઘોંચમાં પડ્યું હતું. પરંતુ ગાંધીનગર રાહત કમિશનર કચેરી દ્વારા પાટણ ડિઝાસ્ટર કચેરીને રૂ.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવતા તંત્ર દ્વારા સહાય આપવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે આગામી દિવસોમાં વારસદારોને સહાય મળી જશે.
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારોને સરકાર દ્વારા રૂ.50,000 સહાય આપવામાં આવે છે. પરંતુ પાટણ જિલ્લામાં તંત્ર પાસે ગ્રાન્ટ ન હોવાના કારણે પાટણ તાલુકાના 20, ચાણસ્માના 2, હારિજના 4, રાધનપુર 5, સમી 5, સાંતલપુર 4, સરસ્વતી 7, શંખેશ્વર 4, અને સિદ્ધપુર તાલુકાના 10 મળી કુલ 73 અરજદારોને કુલ રૂ.36.50 લાખ સહાય ચૂકવવામાં આવી ન હતી.
અરજદારો સહાય માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા ત્યારે પાટણ જિલ્લા ડિઝાસ્ટર કચેરી દ્વારા અરજદારોને સહાય ચૂકવવા માટે સરકારમાં રૂ.50 લાખની ગ્રાન્ટની માંગણી કરી હતી. ત્યારે રાજ્ય કક્ષાએથી રાહત નિયામક કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લા ડિઝાસ્ટર કચેરીને રૂ.50 લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
ડિઝાસ્ટર કચેરી દ્વારા જરૂરિયાત પ્રમાણે તમામ મામલતદાર કચેરીઓને ગ્રાન્ટ આપવામાં આવી છે ત્યારે અરજદારોને સહાય ચૂકવવા માટે મામલતદાર કચેરીઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં સહાયથી વંચિત રહેલા તમામ અરજદારોને ઓનલાઇન તેમના બેંક એકાઉન્ટમાં સહાય આપવામાં આવશે તેવું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.