તપાસ:ચીફ ઓફિસર નિયમ વિરુદ્ધ કામ કરતા હોવાની રજૂઆત મુદ્દે ખુલાસો પૂછાયો

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાટણના અપક્ષ કોર્પોરેટરે પ્રાદેશિક કમિશ્નરને રજૂઆત કરી હતી
  • ચીફ ઓફિસર 2 વર્ષની 9 જેટલી સામાન્ય સભાના ઠરાવ કમિશનર કચેરીમાં ના મોકલવા તેમજ સરકારી પરિપત્રનું અમલીકરણ ના કરતા હોવાની રાવ

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મ્યુનિસિપલ એક્ટ મુજબ સભામાં થતા ઠરાવ કમિશનર કચેરીમાં ના મોકલતા હોઈ તેમજ સરકારી પરિપત્રનું નિયમ મુજબ અમલીકરણ કરવામાં ન આવતું હોવાની રાવ સાથે ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરવા પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બાબત કમિશનરે ચીફ ઓફિસરને ખુલાસો રજૂ કરવા માટે સૂચના અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાટણના ચીફ ઓફિસર દ્વારા પાલિકામાં સામાન્ય સભામાં થયેલ ઠરાવની વિગતો મ્યુનિ. એક્ટ મુજબ કલેકટર, રિજીયોનલ કમિશ્નર ગાંધીનગર કચેરીમાં મોકલવાના હોય છે.

પરંતુ ચીફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા 24 /11/2019થી 28 /7/2021 સુધી બે વર્ષે જેટલા લાંબા સમયગાળા દરમિયાન 9 વખત મળેલ સામાન્ય સભામાં થયેલ એકપણ ઠરાવની વિગતો કમિશ્નર કચેરીમાં ન મોકલી વહીવટમાં બેદરકારી તેમજ સરકારી પરિપત્રના અમલીકરણમાં નિષ્ક્રિય હોઈ આ બાબતે યોગ્ય તપાસ કરી બેદરકારી અને નિયમ વિરુદ્ધ ફરજ બજાવવા બદલ કાર્યવાહી કરાય તેવી પાલિકાના અપક્ષ કોર્પોરેટર ડૉ. નરેશ દવે દ્વારા પ્રાદેશિક કમિશ્નરને સપ્ટેમ્બર માસમાં લેખિતમાં પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી. આ બાબતે કમિશ્નર દ્વારા ચીફ ઓફિસર પાસે ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. આ બાબતે ચીફ ઓફિસરનો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો ન હતો.

અપક્ષના નગરસેવકે પ્રાદેશિક કમિશ્રરમાં રજૂઆત કરી હતી
પાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી બે વર્ષમાં મળેલી સાધારણ સભાના ઠરાવ રિજીયોનલ કમિશ્નર કચેરી, કલેક્ટર કચેરીમાં ન મોકલતા હોય તેમજ સરકારના પરિપત્રનું પાલન કરતા ન હોવાની અગાઉ રજૂઆત કરી હતી.