લંમ્પી વાયરસથી પાટણ જિલ્લાના સાંતલપુર રાધનપુર અને સમી તાલુકાના 11 ગામોમાં 57 ગાયો સંક્રમિત બનતા તંત્ર દોડતું થયું છે જિલ્લામાં 1.60 લાખ ગાયો છે ત્યારે તમામ 520 ગામોમાં ટીમો મારફતે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા સાતલપુર, રાધનપુર અને સમી તાલુકાના 11 ગામોમાં 57 ગાયોને લંમ્પી વાયરસના લક્ષણો જણાતા નાયબ પશુપાલન નિયામક ડો.વી બી પરમાર અને જિલ્લા પશુ રોગ સંશોધન અધિકારી ડો તુષાર પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી.
અને 58 પશુ ધનનિરીક્ષક 34 પશુ ચિકિત્સક અધિકારી અને 13 ફરતા પશુ દવાખાનાઓ મારફતે સંક્રમિત પશુઓને સારવાર તેમજ સર્વે સહિતની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત લંમ્પી વાયરસના નિયંત્રણ માટે રાજ્યના પશુપાલન વિભાગમાંથી વેક્સિનની માગણી પણ કરી છે. તેમજ 1962 નંબરની પશુ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.
સંક્રમિત પશુઓને અન્ય પશુઓથી દૂર રાખવા : તંત્ર
નાયબ પશુપાલનના નિયામક ડો વી બી પરમારે જણાવ્યું કે સંક્રમિત થયેલી ગાયોમાં રોગની તીવ્રતા ઓછી છે અને સારવાર કરવાથી રિકવરી આવી રહી છે એટલે પશુપાલકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ આ રોગ વાયરસથી ફેલાય છે જેમાં માખી,મચ્છર અને ઇતરડીથી ફેલાય છે એટલે સંક્રમિત પશુઓને અન્ય પશુઓથી દૂર રાખવા ખૂબ જરૂરી છે તેમજ માખી, મચ્છર અને ઈતરડી પશુઓ પાસે ન આવે તે માટે સાવચેતી રાખવી જરૂરી છે. સારવાર માટે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.