આરોગ્ય વિભાગ ખડેપગે:પાટણ જિલ્લામાં લાંબા સમય બાદ આજે કોરોનાનો એક કેસ નોંધાયો, આરોગ્ય વિભાગે ગામેગામ સર્વેલન્સ હાથ ધરી ટેસ્ટિંગ વધાર્યું

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારપુરમાં 10 બેડનો એક આઇસોલેશન વોર્ડ તૈયાર

ગુજરાતના કેટલાક શહેરોમાં કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જેથી તમામે રાહત અનુભવી હતી. જોકે, હાલ રાજ્યમાં ફરી કેસમાં વધારો થતા પાટણ જિલ્લામાં પણ આજે એક કેસ નોંધાયો છે. આજે ચાણસ્મા શહેરમાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

દરરોજ 700થી 900 લોકોનું કોરોના ટેસ્ટિંગ
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગામે ગામ આરોગ્ય તંત્રની ટીમો સર્વેલન્સ માટે કામે લગાડી છે. જેમાં શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણો ધરાવતાં લોકોના ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. દરેક CHC અને PHCને ટેસ્ટિંગ વધારવા માટેનો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં દરરોજ 700થી 900 લોકોનું કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

મહિલાની હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ
પાટણ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ બાદ આજે રવિવારે એક કેસ નોંધાયો હતો. ચાણસ્મા શહેરમાં સમાણી સોસાયટીમાં રહેતી 45 વર્ષીય મહિલાને તાવ આવતો હોવાથી ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ અર્થે લઈ જવાઈ હતી. જ્યાં મહિલાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી મહિલાને હોમ આઇસોલેશનમાં સારવાર ચાલુ કરવામાં આવી છે. હાલમાં મહિલાની તબીયત સારી છે. તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

10 બેડનો એક આઇસોલેશન વોર્ડ તૈયાર રખાયો
આ અંગે જિલ્લા આરોગ્ય તંત્રના ઈ.એમ.ઓ. ડો.નરેશભાઈ ગર્ગે જણાવ્યું હતું કે, શનિવારે 949 લોકોના ટેસ્ટિંગ કર્યા હતા. ધારપુર હોસ્પિટલના આર.એમ.ઓ ડો.હિતેશ ગોસાઈએ જણાવ્યું કે, હાલમાં કોરોનાની સારવાર માટે કોઈ દર્દી આવી રહ્યા નથી અને જિલ્લામાં વધુ કેસ પણ નથી છતાં 10 બેડનો એક આઇસોલેશન વોર્ડ તૈયાર રાખેલો છે.

અન્ય સમાચારો પણ છે...