પાટણ નગરપાલિકાની વાહન શાખાના કર્મચારીઓ દ્વારા પગાર વધારાના મુદ્દે રવિવારે ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરતા તેઓએ કર્મચારીઓ સાથે ગેરવર્તણુક કરી ઉડાઉ જવાબ આપ્યો હતો. જેને લઈ રોષે ભરાયેલા કર્મચારીઓએ નગરપાલિકા કેમ્પસ ખાતે પગાર વધારાની હકક લડત સામે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.
પાટણ નગરપાલિકાની વાહન શાખામાં ડ્રાઈવર, કલીનર, હેલ્પર સહિતના 70 જેટલા કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષથી માસિક રુપિયા 8 હજારના વેતન લેખે ફરજ બજાવી રહ્યા છે. જોકે, આ કર્મચારીઓને નગરપાલિકા દ્વારા લઘુત્તમ વેતન પણ ચુકવવામાં આવતું નથી. જેને કારણે 70 જેટલા કર્મચારીઓને મોંઘવારીના સમયમાં પરીવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે પગાર વધારાના મુદ્દે કર્મચારીઓએ પાલિકાના ઉપપ્રમુખ ધમેશ પ્રજાપતિને રજૂઆત કરી હતી.
ઉપપ્રમુખે કર્મચારીઓ સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કરી તમે નોકરીમાંથી જતા રહો, અમે બીજો સ્ટાફ લાવીશું. તેમ કહી કર્મચારીઓને કાઢી મુકયા હતા. ત્યારે રોષે ભરાયેલા વાહનશાખાના 70 કર્મચારીઓએ રવિવારે દિવસે નગરપાલિકા કેમ્પસ ખાતે પગાર વધારાની લડત મુદ્દે સૂત્રોચ્ચાર પોકારી ઉપપ્રમુખ સામે પોતાની નારાજગી વ્યકત કરી છે.
આઉટસોર્સિંગમાં વધારે વેતન મળે તો કરારમાં કેમ નહીં
કર્મચારીઓએ જણાવ્યું કે અમારૂ કોઈ એસોસિએશન નથી. અમને રોજગાર મળે છે પણ શોષણ થાય છે. કચરો ડમ્પિંગ સાઈટ પર ઠાલવ્યા પછી તેને જેસીબીથી સાઈટ પર લઈ જવામાં આવે છે તેનું વધારે કોઈ વેતન નથી મળતું. અગાઉ અમે આઉટસોર્સિંગથી ફરજ બજાવતા હતા. તેમાં 1000 થી 1500 પગાર વધારે મળે તો કરારથી કેમ નહીં. ઉપપ્રમુખે અમે બીજો સ્ટાફ લાવીશું તેમ કહેતાં રવિવારે દિવસે નગરપાલિકા કેમ્પસ ખાતે પગાર વધારાની લડત મુદ્દે સૂત્રોચ્ચાર પોકારી નારાજગી વ્યકત કરી છે.
પગાર વધારાનો નિર્ણય સામાન્ય સભામાં થઈ શકે : ઉપપ્રમુખ
પાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ જણાવ્યું હતું કે રવિવારે સવારે કચરાના વાહનો રાબેતા મુજબ ન જતા પાલિકા કચેરીએ જઈને રૂબરૂ મુલાકાત કરી હતી પગાર વધારો નિર્ણય સામાન્ય સભામાં કરી શકાય આ માટે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું તેમનો કરાર પૂરો થઈ ગયા પછી પણ કર્મચારીઓ દ્વારા નવા સ્ટેમ્પ રજૂ કરાયા નથી. જોકે તેમ છતાં કર્મચારીઓ પ્રત્યે પાલિકા દ્વારા સહાનુભૂતિથી કામ લેવામાં આવી રહ્યું છે જો તેઓ ફરજ ઉપર હાજર નહીં થાય તો નવા માણસો ભરતી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.