વાયરસ વકર્યો:પાટણમાં લમ્પી વાયરલનું સંક્રમણ વધતાં કલેક્ટર એક્શનમાં, પશુની હેરાફેરી, મેળા પ્રદર્શન પર પ્રતિબંધ

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અનેત નિયંત્રણો મુકતું જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

પાટણ જિલ્લામાં લમ્પી વાયરસના કેસ વધતાં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં પણ પશુઓની હેરાફેરી, પશુમેળા,પશુ પ્રદર્શન તેમજ પશુઓની રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં 9 તાલુકાના 11 ગામડાઓના અત્યાર સુધી 179 કેસ નોંધાયા છે ઉપરાંત વધુ 6 ગાયોના મોતથી હડકંપ મચ્યો છે.

વાયરસ ફેલાતા જાહેરનામું
પાટણ જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝ જોવા મળી રહી છે જેના કારણે અનેક પશુઓના મોત થયા હોવાનું પણ સામે આવી છે. આ રોગ વાયરસથી એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોવાથી અને પશુઓમાં એક બીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઈતરડી, માખી, મચ્છર, વગેરેથી પણ ચેપ ફેલાતો હોવાથી પશુઓના પરિવહન ઉપર પ્રતિબંધ મુકવાનુ જરૂરૂ જણાતા તા.03.08.2022 થી તા.17.08.2022 સુધી જિલ્લા કલેક્ટર સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

નિયંત્રણો મુકવામાં આવ્યા
સરકારના ઠરાવથી લમ્પી સ્કીન ડીસીઝના બચાવ અને નિયંત્રણ માટે જિલ્લા કક્ષાની સંકલન સહ મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે. લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણને સહકાર વિભાગ, ગાંધીનગરના આમુખ-2 ના તા.26.07.2022ના જાહેરનામાથી લમ્પી સ્કીન ડીસીઝ અન્વયે કેટલાંક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. જેના કન્ટ્રોલ્ડ એરિયામાં પાટણ જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જેથી જિલ્લામાં વાયરસના સંક્રમણને ધ્યાનમાં લેતા તકેદારીના ભાગરૂપે ફોજદારી અધિનિયમ-1973ની કલમ-144, ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(આઈ) અને (એલ)થી મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટ(આઈ.એ.એસ) સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા તા.03.08.2022 થી તા.17.08.2022 (બંને દિવસો સહિત) સાવચેતીના ભાગરૂપે નીચે મુજબના કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.

પશુઓનો ખુલ્લા મુકવા પર પ્રતિબંધ
જે મુજબ અન્ય રાજ્યો, જિલ્લા, તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. તદઉપરાંત પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાનાં થતાં હોય તેવા આયોજનો, કોઈ રસ્તાએ કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગચાળાથી મરેલા જાનવરોનાં મડદાંને અથવા તેના ભાગને ખુલ્લા, છુટ્ટા છોડી દેવાની અથવા તેમને લાવવા કે લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આવા રોગચાળાના જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગા વગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગબીજનો નાશ કરવા અને એવા રોગચાળા અથવા જેમને એવો રોગ થયો છે તેમ દેખાતું હોય તેવા જાનવરોને એકમેકથી છુટા રાખવા તે મુજબની તેમની વ્યવસ્થા કરવા ફરમાવવામાં આવે છે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...