• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Appointment Of Babu Bhil As Chairman Of Social Justice Committee Of Patan District Panchayat, Opposition Considers Selection Process Against Rules

વરણી:પાટણ જિલ્લા પંચાયતના સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન તરીકે બાબુ ભીલની નિમણૂક, વિપક્ષે વરણી પ્રક્રિયા નિયમ વિરૂદ્ધ ગણાવી

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક ન્યાય સમિતિના સભ્યોની બેઠક પ્રમુખ ભાનુમતિબેન મકવાણાના કાર્યકારી અધ્યક્ષ પદે યોજાઈ જિલ્લા પંચાયતમાં અનુસૂચિત જાતિના ચાર સદસ્યોમાં બે સભ્યો ભાજપના અને બે સભ્યો કોંગ્રેસના છે

પાટણ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ભાજપના બાબુ ભીલની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિના સભ્યોની બેઠક પ્રમુખ ભાનુમતિબેન મકવાણાના કાર્યકારી અધ્યક્ષ પદે યોજવામાં આવી હતી.

આ બેઠકમાં સદસ્ય તરીકે ભાનુમતીબેન મકવાણા, બાબુભાઈ ભીલ તેમજ એક કો.ઓપ્ટ સભ્ય મળી કુલ ત્રણ વ્યક્તિ ઉપસ્થિત રહેતા બેઠકની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નવા ચેરમેન તરીકે બાબુ ભીલની વરણી કરાઈ છે. બેઠકમાં સમિતિના સભ્ય સચિવ અને સમાજ કલ્યાણ અધિકારી આઈ.આર. મન્સૂરી ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના નવા ચેરમેનની નિમણુંક અંગે જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ અધિકારી અને સામાજિક ન્યાય સમિતિના સભ્ય સચિવ આઈ આર. મન્સુરીએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લા પંચાયતમાં અનુસૂચિત જાતિના ચાર સદસ્યો ચૂંટાઈ આવ્યાં છે. જેમાં બે સભ્યો ભાજપના અને બે સભ્યો કોંગ્રેસના છે.

આ અગાઉ પ્રમુખ ભાનુમતિબેન મકવાણા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેનો વધારાનો હોદ્દો સંભાળતા હતા. જેમાં તેમણે સરકારના નીતિ નિયમો મુજબ રાજીનામું આપતા તાજેતરની સામાન્ય સભામાં તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું અને સામાજિક ન્યાય સમિતિના નવા ચેરમેનની વરણી માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજની બેઠકમાં કોંગ્રેસના ચૂંટાયેલા બે સદસ્યો ગેરહાજર રહ્યા હતા. જોકે, તેમને આ મીટીંગ અંગે જાણ કરવામાં આવી હોવાનું સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું હતું. કોરમ નહિં થવાથી આજની બેઠક મુલત્વી રાખીને ફરીથી ચેરમેનની વરણી કરવાનું નક્કી થયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

આ બાબતે પાટણ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અશ્વિન પટેલે સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી માટે યોજાયેલી બેઠકને નિયમ વિરુદ્ધની અને અયોગ્ય ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પંચાયત ધારાની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતમાં કોઈપણ સમિતિમાં કો.ઓપ્ટ સભ્યને મતદાન કરવાનો અધિકાર નથી. આજે યોજાયેલી બેઠકમા કો.ઓપ્ટની હાજરીથી ભલે કોરમ થઈ ગયું હોય પરંતુ બે સભ્યોની હાજરીથી થયેલી સમગ્ર મીટિંગની પ્રક્રિયા અને ચેરમેનની વરણીની પ્રક્રિયા નિયમ વિરુદ્ધ થઈ ગણાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પંચાયત ધારાના નિયમોનો અભ્યાસ કર્યા વગર જ બેઠકમાં ચેરમેનની વરણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, જો બે સભ્યોથી જ ચેરમેનની વરણી થઇ શકતી હોય તો અગાઉની બેઠકમાં કોંગ્રેસના બે, ભાજપના બે અને એક કો.ઓપ્ટ મળી પાંચ સભ્યોની હાજરી હતી છતાં ભાજપના સભ્ય બાબુ ભીલની ચેરમેન તરીકે વરણી કરવાના બદલે પ્રમુખ ભાનુમતિબેનને ચેરમેન કેમ બનાવ્યાં હતા?

અન્ય સમાચારો પણ છે...