તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા ઉપર 22.25 કરોડના ખર્ચે ઓવરબ્રિજનુ નિર્માણ થશે

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 માસના સમયગાળામાં ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે ફ્લાય ઓવરબ્રીજની લંબાઈ 700 મીટર અને પહોળાઈ 15 મીટરની રહેશે

પાટણ શહેરને રાજ્યની મેગાસિટી સાથે જોડવા વિકાસની એક નવી હરણફાળ ભરવાની શરુઆત કરવામાં આવી છે. જેમાં પાટણને જોડતા ચાણસ્મા ડીસા હાઈવે માર્ગને જોડતા સિધ્ધપુર ચાર રસ્તા પાસે જીલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા બ્રિજનું નિર્માણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં પાટણના વિકાસમાં યશકલગીનું એક નવું પીંછુ ઉમેરાશે.

છેલ્લા 10 વર્ષમાં જિલ્લામથક પાટણનો વ્યાપ અને વિસ્તાર વધતા વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. જેમાં પાટણની જનસંખ્યામાં થતાં ઉત્તરોત્તર વધારાને લઈ શહેરને જોડતા હાઈવે માર્ગો પર દિન પ્રતિદિન વાહનોની અવરજવર પણ વધી રહી છે. જેમાં ખાસ કરીને જિલ્લામથક પાટણને જોડતા ચાણસ્મા, ડીસા, સિધ્ધપુર હાઈવે માર્ગ પર દિવસ દરમિયાન ટ્રકો સહિત ટ્રેલરો તેમજ રેતીનું લોડીંગ કરીને જતા ડમ્પરોની અવર-જવરમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. જેને કારણે સિધ્ધપુર ચાર રસ્તા તથા ડીસા ચાણસ્મા હાઈવે માર્ગ પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી. ત્યારે નાના વાહનોની અવર-જવર તેમજ અકસ્માતોની ઘટનાના નિવારણને મહત્વ આપી રાજ્ય સરકાર દ્વારા મોટા વાહનોની માર્ગો પર થતી અવર-જવરને રોકી તેને ઓવરબ્રીજ પરથી પસાર કરવા ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય કર્યો છે.

જેમાં જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા રૂપિયા 22 કરોડ 25 લાખના ખર્ચે સિધ્ધપુર ચાર રસ્તાથી ડીસા ચાણસ્મા હાઈવેને જોડતા માર્ગ પર ફ્લાય ઓવરબ્રીજ નિર્માણ કરવાની કામગીરીને પૂરજોશમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ફ્લાય ઓવરબ્રીજની લંબાઈ 700 મીટર અને પહોળાઈ 15 મીટરની રહેશે. કુલ 18 બીમ ઉપર ઓવરબ્રીજ નિર્માણ કરવામાં આવશે. જીલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ આગામી 18 માસના સમયગાળામાં આ ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આમ જિલ્લામથકમાં થઈ રહેલા વિકાસના કાર્યોમાં નવીન ઓવરબ્રીજના નિર્માણનું કાર્ય પાટણ માટે આર્શીવાદરૂપ બની રહેશે.

અકસ્માત ઝોન બનેલા ચાર રસ્તાથી ભયનો માહોલ હતો
પાટણના સિદ્ધપુર ચાર રસ્તાથી ચાણસ્મા, ડીસા અને સિદ્ધપુર તરફ વાહનો પસાર થતા હતા. અને ભારે ટ્રાફીકની સાથોસાથ ભારે-વાહનોને કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હતા. જેથી લોકોને આ ચાર રસ્તાથી પસાર થતા સમયે અકસ્માતનો ભય પણ સતાવતો હતો.

ઓવરબ્રિજ ક્યાંથી ક્યાં સુધી બનશે?
ઓવરબ્રિજની લંબાઈ 700 મીટર અને પહોળાઈ 15 મીટર રાખવામાં આવી છે. જેમાં ઓવરબ્રિજ ચાણસ્મા તરફથી પાટણના ગંજ બજારના ગેટ આગળથી શરૂ થશે. તેમજ તે ડીસા તરફ પૂર્ણ થશે. તથા ઓવરબ્રિજને 18 મજબૂત બીમ ઉપર ઉભો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...