પરંપરા:પાટણમાં દિવાળીનાં પરંપરાગત રિવાજનું ઇનોવેશન, મેર મેરાયા હવે નવા જ રંગરૂપમાં બજારમાં ઠલવાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં દિવાળીના પર્વને લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રમજીવી વર્ગ અને કારીગર વર્ગના પરિવારો તેમનો માલ સામાન લઈને વેચવા માટે ઉતરી પડ્યા છે. શહેરમાં દિવાળીમાં ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓનો પાથરણા વેપાર પણ ખીલી ઉઠ્યો છે.બીજી તરફ દુરુખાનાની અસંખ્ય લારીઓ, રંગોળીનાં રંગો, રંગોળીનાં સ્ટીકરો, મુખવાસ અને અનેક ગૃહવપરાશની ચીજોનો છુટક અને ટપાથીઓ વેપાર પાટણમાં ધુમ મચાવી રહ્યો છે. ત્યારે પાટણમાં દિવાળીની રાત્રિએ પરિવારોમાં આંગડી માંગણી તેલ પૂરાવો એમ બોલીને મશાલ જેવી લાકડીમાં તેલની દિવેટમાં તેલ મુકી ને તેને પ્રગટાવીને ઘરમાં ફેરવીને તેને મહેલ્લા કે ચોકમાં મુકી આવવાની એક પ્રાચીન પરંપરા છે.

પાટણમાં આ પ્રથાનાં નિર્વહન માટે મેર મેરાયા તરીકે ઓળખાય છે. પાટણમાં અત્યારે આ માટેની વગદા કે વરખડાનાં વૃક્ષોની ત્રણ પાંખિયા વાની ડાળીઓની લાકડીઓ કાપીને શ્રમજીવી વર્ગનાં પરિવારો ઘેર ઘેર વેચવા માટે નીકળ્યા છે. આમ તો આ એક સાદી લાકડી પરનું મેરમેરાયુ છે.પરંતુ આ વખતે તેમાં નવા જમાના પ્રમાણે કેટલાક વેપારીઓએ નવા સ્ટાર્ટઅપની સાથે સુધારો અને ઈનોવેશન કરીને આ મેરમેરાવાને મશાલનો આકાર આપીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

પાટણમાં એક પરિવાર આવા નવી ડિઝાઈનમાં બનાવેલા મેરમેરાયાને વેચવા ભરતભાઈ દંતાણી છેક મહેસાણાથી તેમની સાંજવણ સાથે પાટણમાં મેરમેરાયાનો ધંધો કરવા માટે આવ્યા છે. ભરતભાઈ અહીં જ વૃક્ષની લાકડીનાં એક છેડે માટીમાંથી કોડીયા જેવો આકાર બનાવીને તેમાં દિવેટ મુકીને તેને મશાલ જેવો આકાર આપ્યો છે. અને તેને વધુ આકર્ષક બનાવવા માટે તેની ઉપર અવનવા રંગોથી રંગીને પરિવારનાં સભ્યોને વેચવા મોકલી રહ્યા છે. પાટણમાં સાદી લાકડીનું મેરમેરાયુ દસ રૂપિયાનું મળે છે તો આ નવી ડિઝાઈનનું મેરાયુ રૂ.25 માં મળી રહ્યું છે.

સમય પ્રમાણે તહેવારોની ઉજવણીમાં ફેરફારો અને ઈનોવેશન કરવું જોઈએ તો જ ધંધામાં પણ વધારો થાય તેવુ ફક્ત એમબીએ થયેલા વ્યવસ્થાપકો કે ધંધાર્થી કે મેનેજરો નથી વિચારતા પણ સાવ સામાન્ય સ્થિતિનાં અને નિરક્ષર શ્રમજીવી પણ તેમનાં પરંપરાગત ધંધામાં જમાના પ્રમાણે ઈનોવેશન કરીને ધંધાને બહોળો કરવાનું વિચારી શકે છે.

અન્ય સમાચારો પણ છે...