આજની યુવા પેઢી ગુજરાતના ઐતિહાસિક સ્મારકો, પ્રવાસન સ્થળો, ઘુડખર અભ્યારણ સહિતના વિવિધ ધાર્મિક સ્થળોથી માહિતગાર થાય તે માટે ગુજરાત ટુરીઝમ દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેને લઈ પાટણ શહેરના હેરીટેજ માર્ગ પર ગુજરાત ટુરીઝમ દ્વારા પ્રવાસન સ્થળોના ટેબ્લોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે.
પાટણ શહેરના વર્લ્ડ હેરીટેજ માર્ગ પર આવેલા પ્રાચીન નગરદેવી કાલીકા માતાની સામે આવેલા કાલિકા કુંડ વિસ્તારમાં ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળો સહિત ઐતિહાસિક સ્મારકોના ટેબ્લોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ટુરીઝમ દ્વારા ઘુડખર અભ્યારણ, સાસણગીર, માઉન્ટ આબુ, ગીરનાર પર્વત, ગુરૂ શીખર, ડાયનાસોર ગેલરી, રાણકીવાવના આબેહુબ ટેબ્લોનો સમાવેશ થાય છે.
જ્યાં નાના ભુલકાઓ સહિત યુવાનો પ્રવાસન સ્થળોથી માહિતગાર થવા આ ટેબ્લો પ્રદર્શનને ઉત્સાહભેર નિહાળી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત રીજીયોનલ સાયન્સ સેન્ટર અને ડાયનાસોર પાર્કના ટેબ્લોનું પ્રદર્શન યુવા પેઢીમાં આકર્ષણ જમાવી રહ્યું છે. ત્યારે ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા ગુજરાતભરમાં આવેલા તમામ પ્રવાસન સ્થળોને એક જ સ્થળ પર ગોઠવી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.