પાટણ શહેરનાં ટી.બી. ત્રણ રસ્તે સાડાત્રણ મહિના પૂર્વે એક બેંક કર્મચારીને ત્રણ ઠગોએ વિશ્વાસમાં લઈને સોના જેવી બીજી ડુપ્લીકેટ ધાતુ બતાવીને રૂ. 3.70 લાખની છેતરપીંડી આચરાઈ હોવાની ઘટના પાટણ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી.
સૂત્રો અનુસાર સમી તાલુકાના ભદ્રાડા ગામનાં અને હાલ ભાભરની નાગરિક બેંકમાં 12 વર્ષથી કલાર્ક તરીકે નોકરી કરી રહેલા વિનોદભાઈ નારણભાઈ ઠકકર તા. 3 ઓક્ટોબર, 2021ના રોજ તેમની દાદીમાનું શ્રાદ્ધ હોવાથી તેઓ તેમનાં વતન ભદ્રાડા ગામે ગયા હતા. ત્યારે બપોરે તેમનાં ગામે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. તેણે તેનું નામ બિજલભાઈ હોવાનું જણાવીને તે ગોર્વધન બ્રીજ અનાથાશ્રમ ગૌશાળા અમદાવાદથી આવતો હોવાનું અને દાન આપવા કહેતાં વિનોદભાઈએ રૂ.101 આપીને પાવતી લીધી હતી. બાદમાં બિજલે તેમને કહ્યું હતું કે અમારા આશ્રમમાં ખોદકામ કરતી વખતે સોનું નીકળ્યું છે તો તમે ટચ કરાવી આપશો? જેથી વિનોદભાઈએ હા કહી હતી.
બાદમાં બીજા દિવસે તેમની પર ફોન આવતાં તેણે અનાથશ્રમમાંથી મહેશભાઈ બોલું છું તેમ કહીને સોનું ચેક કરાવી આપવા કહ્યુ હતું. એ પછી તા. 6 ઓક્ટોબર, 2021ના રોજ વિનોદભાઈ ભાભરથી ઘરે પોતાનાં વતન જતા હતા. ત્યારે ફરીથી ફોન આવતાં તેમણે રાધનપુર મળવાની વાત કરતાં તેઓ રાધનપુર હાઈવે પર બિજલભાઈ અને એક અન્ય વ્યક્તિને મળ્યા હતા.
તેઓએ થેલીમાંથી પારો કાઢીને તેમને આપીને કહ્યું હતું કે, આ પારાનો ટચ કરાવી આપજો. જેથી વિનોદભાઈએ ભાભરમાં સોનીની દુકાને ચેક કરાવતાં આ પારો સોનાનો સાચો હોવાનું જણાયુ હતું. આ પછી આ બંને લોકોએ તા. 8મી ઓક્ટોબરના રોજ ફોન કરીને કહ્યું હતું કે આવું કેટલુંક સોનું અમારી પાસે છે જે તમારી પાસે રાખો જેના પર અમારે પાંચ લાખ રૂપિયાની જરુર છે. જે અમે દિવાળી પછી પાંચ લાખ તમારા પરત આપીને સોનું લઈ જઈશું. તેમ કહેતાં વિનોદભાઈએ પોતાની પાસે રૂ. 3.70 લાખની સગવડ હોવાનું જણાવતાં બિજલ અને મહેશે હા પાડતાં વિનોદભાઈએ પાટણ ખાતે દવાખાને જવાનું હોવાથી ત્યાં તમને રૂપિયા આપીશ એમ કહેતાં મહેશે કહ્યું હતું કે, અમારે દિવાળી હોવાથી પૈસાની જરુર છે તો અમે આવતી કાલે પાટણ ખાતે લેવા આવીશું.
આ દરમ્યાન વિનોદભાઈ પાટણમાં ટીબી ત્રણ રસ્તા પાસે દવાખાનાના કામે આવ્યા હતા. જ્યાં તેઓ બિજલ, મહેશ તથા અન્ય એક વ્યક્તિને મળ્યા હતા. ઉપરાંત પેટ્રોલ પંપ પાસે બોલાવતાં તેમણે અગાઉ થયેલી વાત મુજબ પૈસાની માંગણી કરી હતી. તેથી વિનોદભાઈએ એમને સોનું જોવાનું કહેતાં તેઓ રસ્તા પર સોનું ના જોવાય તેમ કહીને ટીબી ત્રણ રસ્તાની સામે જતા રોડ પર લઈ ગયા હતા.
જ્યાં એક થેલીમાં રહેલી લાલ કલરની થેલી બતાવીને તેને ખોલીને તેમાંથી નાના પારાવાળી સોનાની સેરો બતાવીને તરત જ પેક કરી દીધી હતી. જેથી તેમનાં વિશ્વાસમાં આવી ગયેલા વિનોદભાઈએ તેમની પાસેનાં રૂપિયા આપી દીધા હતા. બાદમાં તેઓ ભાભર ગયા હતા. થોડા દિવસ પછી વિનોદભાઈએ પેલા લોકોને ફોન કરતાં તેમનો ફોન બંધ આવતાં શંકા જતાં તેમનાં મિત્રોને વાત કરતાં અને સોનું ચેક કરાવતાં તે સોનું ન હોવાનું જણાવતાં તેમને પોતાની સાથે છેતરપીંડી થયાનું જણાયું હતું. ઉપરાત તેમણે અમદાવાદનાં કહેવાતા આશ્રમની તપાસ કરાવતાં તેનું સરનામું ખોટું હોવાનું જણાય હતું. જેથી તેમણે પાટણ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.