ભાજપ વિચાર વિમર્શમાં:રાધનપુરમાં અલ્પેશનો વિરોધ થતાં ઉમેદવાર પસંદ કરવામાં કોકડું ગુંચવાયું, પાટણમાં જ્ઞાતિવાદી સમીકરણની રણનીતિ

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુરમાં રઘુ દેસાઈ સામે ટક્કર લે તેવો ઉમેદવાર કોણ ભાજપ વિચાર વિમર્શમાં
  • પાટણ બેઠક માટે કે.સી.પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું પણ હજુ પાર્ટી ઉમેદવાર જાહેર કરતી નથી

વિધાનસભાની ચૂંટણીમાં પાટણ અને રાધનપુર બેઠક વિવાદિત બનતા બંને બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. જોકે બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર નક્કી જેવા જ છે. પરંતુ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં કોંગ્રેસ વિલંબ કરી રહી છે. જેના કારણે બંને સિટિંગ ધારાસભ્યો સામે અફવાઓનું બજાર ગરમાયું છે. જોકે ભાજપના ઉમેદવારનું ઠેકાણું પડતું નથી.રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરના વિરોધના કારણે કોકડું ગુંચવાયુ છે અને પાટણમાં ભાજપ જ્ઞાતિવાદી સમીકરણ સેટ કરી જીતનો ઉમેદવાર મુકવાની પેરવીમાં હોવાનું રાજકીય તજજ્ઞોનું માનવું છે.

પાટણ વિધાનસભા બેઠક પર પાટીદાર અનામત આંદોલનના કારણ વર્ષ 2017માં પાસ નેતા કિરીટ પટેલ પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ સામે પાટણના ઇતિહાસમાં સૌથી વધુ 26,000 મતની લીડથી જીત મેળવી હતી.પરંતુ આ વખતની ચૂંટણીમાં અનામત આંદોલનનો કોઈ જ પ્રભાવ નથી. જોકે,હજુ કોંગ્રેસે પાટણ બેઠક પર ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી નથી.પરંતુ કિરીટભાઈ પટેલ કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય હોવાના કારણે તેમને ટિકિટ આપવાનું કોંગ્રેસે મન બનાવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. જેના કારણે તેમણે ગામોમાં પ્રવાસ પણ શરૂ કરી દીધો છે.ત્યારે બીજી બાજુ ભાજપમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું છે.

અને તેમણે પણ પ્રવાસ શરૂ કરી દીધો હતો.પરંતુ હજુ સુધી પાર્ટીએ ઉમેદવાર જાહેર ન કરતા પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, સુરેશભાઈ સી.પટેલના નામની ચર્ચાઓ પણ ચાલી રહી છે. ભાજપના સિનિયર નેતાએ જણાવ્યું હતું કે જ્ઞાતિવાદી સમીકરણ ફીટ કરી જીતી શકે તેવા ઉમેદવારને ભાજપ મેદાનમાં ઉતારશે.

રાધનપુર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના રઘુભાઈ દેસાઈ 3800 મતે વિજેતા થયા હતા.આ બેઠક પર પણ કોંગ્રેસ‎ રઘુભાઈ દેસાઈ દેસાઈએ જોર શોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે‎​​​​​​​ ભાજપમાં પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો વિરોધ થઈ રહ્યો હોવાના‎​​​​​​​ કારણે ઉમેદવાર પસંદગીમાં કોકડુ ગુંચવાયેલું છે. તેના વિકલ્પે રાધનપુરમાં‎​​​​​​​ કોને ચૂંટણી લડાવવી તેના સમીકરણોની ગોઠવણ થઈ રહી છે. તેવું‎​​​​​​​ ભાજપના આગેવાન દ્વારા જાણવા મળ્યું હતું.‎

અન્ય સમાચારો પણ છે...