નિર્ણય:નર્સિંગમાં ફેલ છાત્રોના પુન:મુલ્યાંકનને મંજૂરી

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષામાં 600 છાત્રો નાપાસ થયા હતા , હવે રિ-એસેસમેન્ટના ફોર્મ ભરાવી ચકાસણી બાદ જ હકીકત સામે આવશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પરીક્ષામાં બેદરકારીની રાવ વિવિધ પરીક્ષાઓમાં ઉઠે છે. વધુ એક નર્સિંગ અભ્યાસની ઓક્ટોબર ડિસેમ્બરની બીજા અને ત્રીજા વર્ષની પરીક્ષામાં એસેસમેન્ટમાં બેદરકારીના કારણે 600 છાત્રો નાપાસ થવા હોવાની રાવ સાથે રજૂઆત કરતાં પરીક્ષા વિભાગે સેમ્પલ રિ-ચેકિંગ કરાવતા પરીક્ષાના પરિણામમાં ફેરફાર આવ્યા હોય છાત્રોના હિતમાં ખાસ કિસ્સામાં નાપાસ છાત્રોનું રિએસેસમેન્ટ કરવા મંજૂરી અપાઇ છે. છાત્રોને ફોર્મ ભરાવી રિએસેસમેન્ટ કરાશે.

યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર ડિસેમ્બરમાં નર્સિંગ અભ્યાસમાં બીજા અને ત્રીજા વર્ષના છાત્રોની પરીક્ષા ડિસેમ્બરમાં યોજાઇ હતી. પરિણામ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જાહેર કરાયું હતું. પરિણામમાં ઉ.ગુ.ના 600 છાત્રો નાપાસ થતાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી સંગઠનો સાથે મળી એસેસમેન્ટમાં બેદરકારી દાખવાઇ હોય વિદ્યાર્થીઓના નપાસ થયા હોવાની રાવ સાથે કુલપતિને રજૂઆત કરતાં છાત્રોના હિતમાં પરીક્ષા વિભાગ દ્વારા રિ-ચેકિંગ માટે પ્રક્રિયા કરતાં તજજ્ઞો દ્વારા ફરીથી ચકાસણી કરતાં 5 થી વધારે ગુણ સાથે પરિણામમાં ફેરફાર સામે આવતા સમગ્ર કેસ કારોબારી કમિટીમાં મૂકાયો હતો.

મંગળવારે કારોબારી કમિટી દ્વારા છાત્રોના ભવિષ્યની બાબત હોય મેડિકલ અભ્યાસમાં રિએસેસમેન્ટની પ્રક્રિયા હોતી નથી પરંતુ પરિણામમાં ફેરફાર જોતા ખાસ કિસ્સામાં પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું રિ-એસેસમેન્ટ કરવા મંજૂરી અપાઇ છે.

નાપાસ 11 માંથી 9 ના ગુણ સુધરતાં પાસ થયાં
નર્સિંગના બીજા વર્ષના 12 અને ત્રીજા વર્ષના બે મળી કુલ 14 છાત્રોની વિદ્યાર્થી સંગઠન દ્વારા પસંદ કરી નંબર પરીક્ષા વિભાગને અપાયા હતા. પરીક્ષા વિભાગની કમિટી દ્વારા એક્સપર્ટને મોકલતા તેમાંથી 11 છાત્રોના રિએસેસમેન્ટ કરાયા હતા. જેમાંથી નવ છાત્રોના પરિણામમાં પાંચ ગુણથી વધારે ફેરફાર આવ્યા જેનાથી કેટલાક પાસ થયા છે.જે સ્પષ્ટ બતાવે છે કે એસેસમેન્ટમાં બેદરકારી દાખવાઇ છે.જેથી પાસ છાત્રો નાપાસ થયા છે. પાટણ ABVP મંત્રી જશરાજ ચૌધરીએ જણાવ્યુ હતુ.

રિએસેસમેન્ટ બાદ જાણી શકાશે બેદરકારી છે કે નહીં
કુલપતિ ડૉ. રોહિત દેસાઈએ જણાવ્યું કે મેડિકલમાં અંતિમ વર્ષ સિવાય રિ-એસેસમેન્ટનો નિયમ નથી. છતાં વિદ્યાર્થીઓના હિતમાં સેમ્પલ રિચેકિંગ કરતા ચારથી પાંચ ગુણનો ફરક આવ્યો છે. મેડિકલ ક્ષેત્રના તજજ્ઞોના ગુણ આપવાના પોતાના અલગ અલગ ક્રાઈટેરિયા હોય છે. જેથી એક ઉત્તરવહી બે તજજ્ઞ તપાસે બંનેના અલગ ગુણ હોઈ શકે જેથી કહી શકાય નહીં કે બેદરકારી છે.પરંતુ છાત્રોના હિતમાં તમામ વિદ્યાર્થીઓના પરિણામ યોગ્ય રીતે જાહેર થાય માટે ફરીથી રીએસેસમેન્ટ કરવા માટે ખાસ કિસ્સામાં મંજૂરી અપાઇ છે. ફરીથી ચકાસણી કરી પરિણામ જાહેર થયા બાદ નક્કી થશે કે કોઈ બેદરકારી છે કે નહિ

અન્ય સમાચારો પણ છે...