વિધાનસભા ચૂંટણીને પગલે શંકાસ્પદ આર્થિક વ્યવહારો ન થાય તે માટે બેંકોમાં ચૂંટણી તંત્રના ખર્ચ નિયંત્રણ દેખરેખ વિભાગ દ્વારા નજર રાખાઈ રહી છે.ત્યારે પાટણની 4 બેંકના 4 એકાઉન્ટમાં કુલ રૂ.29.19 લાખના શંકાસ્પદ વ્યવહાર થયા હોવાનું જણાવતા ત્રણ ખાતેદારોની ચૂંટણી અધિકારીની ટીમ દ્વારા તપાસ કરી છે. જેમાં આ બેંક એકાઉન્ટમાં નાણાની લેવડદેવડ કોઈ રાજકીય હેતુ માટે નહિ પરંતુ વ્યવસાયના હેતુ માટે થઈ હોવાનું જણાયું છે. વિધાનસભા ચૂંટણી આચારસંહિતાના પગલે બેંકના એકાઉન્ટોમાં થતી આર્થિક લેવડદેવડ ઉપર ચૂંટણી તંત્રની બાજુ નજર છે.
ત્યારે પાટણની કેનેરા બેન્કના એક ખાતેદારના એકાઉન્ટમાં રૂ.13,19,032 અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારના એકાઉન્ટમાં રૂ.10,00,100 અને યુકે બેંકના ખાતેદારના એકાઉન્ટમાં રૂ.5 લાખ તેમજ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારના એકાઉન્ટમાં રૂ.1 લાખના શંકાસ્પદ લેવડદેવડના વ્યવહારોની વિગત ખર્ચ મોનિટરિંગ સેલને આપતા ચૂંટણી અધિકારીની ટીમ દ્વારા ખાતેદારોનો સંપર્ક કરી તપાસ કરી હતી.
જેમાં ત્રણ ખાતેદારોનો સંપર્ક થતા આર્થિક લેવડદેવડ કોઈ રાજકીય હેતુ માટે થઈ ન હોવાનું જણાયુ હતું. પરંતુ કેનેરા બેન્કના એકાઉન્ટમાં 13,19,032 અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ.10,00,100 એટલે કે બંને એકાઉન્ટમાં 10 લાખથી વધુની લેવડદેવડ થઈ હોવાથી ખર્ચ મોનિટરિંગ સેલ દ્વારા ઇન્કમટેક્સ વિભાગને જાણ કરાતા બંને ખાતેદારોની ઇન્કમટેક્સ વિભાગે તપાસ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.