ઐતિહાસિક અને વૈદિક પરંપરા વાળી ધાર્મિક નગરી સિદ્ધપુરમાં વર્ષોની પરંપરા પ્રમાણે બિલોરી કાચથી હોળી પ્રગટાવવાની પરંપરા છે.સિદ્ધપુરમાં અલવાના ચકલા વિસ્તારમાં આવેલી જોષીઓની ખડકીમાં ભૂદેવ પરિવારો દ્વારા છેલ્લા 100 કરતા વધારે વર્ષથી હોળીના દિવસે પરંપરાગત વૈદિક પૂજા કરી બિલોરી કાચથી બપોરના સમયે સૂર્યના કિરણો દ્વારા છાણામાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે. સાંજે હોળી પ્રગટાવવાનો સમય થાય ત્યારે સારા ચોઘડીયામાં મંત્રોચ્ચાર સાથે સૂર્યના કિરણોથી સળગાવેલા છાણા દ્વારા પ્રથમ હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યાર પછી જ શહેરના આજુબાજુના મહોલ્લાવાળા પિતામ્બર પહેરી હોલિકામાંથી અગ્નિ લઈ જઈ પોતાની પોળ, મહોલ્લા વિસ્તારમાં આ અગ્નિથી હોળી પ્રગટાવે છે.
સમગ્ર ગુજરાતમાં હોળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. પ્રસંગે દરેક શહેર ગામોમાં હોળી અગ્નીથી પ્રગટાવવામાં આવતી હોય છે. ત્યારે એકમાત્ર સિદ્ધપુરમાં બપોરે સૂર્યપ્રકાશના કિરણો બિલોરી કાચની મદદથી ઝીલીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે. તેના દ્વારા સમગ્ર શહેરમાં હોળીકા દહન કરવાની પરંપરા મુજબ સોમવારે પણ બપોરે રસમથી અગ્નિ પેટાવવામાં આવ્યો હતો.
સિદ્ધપુરમાં સાંજે શહેરના તમામ મહોલ્લામાં હોળી પ્રગટાવવામાં આવી હતી. જે પૂર્વે શહેરના જોષીઓની ખડકીમાં બપોરે 3 કલાકે સૂર્યપ્રકાશને બિલોરી કાચની મદદથી ગાયના છાણામાં પરાવર્તિત કરી તેમાં અગ્નિ પ્રગટાવાયો હતો અને તેના થકી મુખ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી અને નાના ભૂલકાઓના ઢોલ-નગારાઓના નાચ સાથે હોલિકા દહન કરાયું હતું. ત્યારબાદ શહેરના તમામ મહોલ્લાઓમાં પિતાંબરધારી ભૂદેવો દ્વારા પ્રગટાવેલ અગ્નિને લઇ જઇને દરેક મહોલ્લાઓમાં હોલીકા દહન કરાયું હતું.
વરસાદી વાતાવરણમાં અરણીથી હોળી પ્રગટાવાય છે
જોષીઓની ખડકીના વિપુલભાઇ જોષીએ જણાવ્યુ હતું કે હોળીના સમયે વરસાદી કે વાદળછાયુ વાતાવરણ હોય ત્યારે અરણીના લાકડાને મંથન કરીને પ્રથમ રૂ એટલેકે કપાસમાં અગ્નિ પ્રગટાવી તેનાથી છાણા પર પ્રગટાવવામાં આવે છે. છેલ્લા 100 વર્ષથી ચાલી આવતી દિવાસળી કે કેરોસીન પેટ્રોલથી સ્થાને બિલોરી કાચની હોળી પ્રગટાવાની પરંપરા જાળવી રાખવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.