પાટણ શહેરના રેલવે ફાટક ઉપર નિર્મિત કરવામાં આવનાર ઓવરબ્રિજની કામગીરી વિવિધ સેવાઓની લાઈનો ખસેડવા મામલે અટવાઇ હતી. ત્યારે શુક્રવારે મહત્વની ઘટનામાં ખસેડવા પાત્ર વીજલાઇનના સ્થળાંતર માટે રૂપિયા 1 કરોડ 06 લાખનો ચેક જી.યુ.ડી.સી દ્વારા નગરપાલિકાને આપી દેવામાં આવતા પાલિકા દ્વારા વીજ કંપનીને સુપરત કરવામાં આવ્યો છે.
પાલિકા વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવા માટે પાણી પુરવઠા ભૂગર્ભ ગટર વીજળી લાઈન વગેરે ખસેડવાની થતાં આ કામગીરી પાલિકા અને જીયુડીસી વચ્ચે અટવાતી રહી હતી. તેમાં મોટો ખર્ચ થતો હોવાથી પાલિકા સક્ષમ ન હતી. જી.યુ.ડી.સી દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીને કહેવાતા હાલના ભાવે જૂના ભાવના ટેન્ડરથી કામ કરવાનું પરવડતું નથી. તેવો જવાબ કર્યો હતો.
ત્યારથી આ કામ અટવાયેલું હતું. શુક્રવારે રાજ્યના મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ દ્વારા તમામ પાલિકા સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. પાટણના ચીફ ઓફિસર પંકજ બારોટ અને ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ જય રામી પણ સામેલ થયા હતા. ત્યારે બ્રિજનાં કામોમાં પાલિકાઓને લાઈનો ખસેડવાના ચેક ઇસ્યૂ કરાયા હોવાનું જણાવ્યું હતું તે ચેક પાલિકા પહોંચ્યા છે કે નહીં તેની ચર્ચા દરમિયાન જી.યુ.ડી.સીના કર્મચારી ચેક લઈને પાલિકા કચેરી ખાતે હાજર થયા હતા અને ચેક મળી ગયાનો જવાબ આપ્યો હતો.
હવે માત્ર વીજળી લાઈન સિફ્ટ કરાશે
પાલિકા સુપરવાઇઝરે જણાવ્યા મુજબ સૂચિત ઓવરબીજ બનવાનો છે તેમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનો ખસેડવાની થતી નથી. માત્ર વીજળી લાઈનો ખસેડવાની થાય છે. તેના માટે વીજ તંત્ર દ્વારા એસ્ટિમેન્ટ આપવામાં આવ્યું હતું. જેના આધારે જી.યુ.ડી.સી દ્વારા ચેક આપી દેવામાં આવ્યો છે. એટલે આ કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે.
બ્રિજ માટેની હવે નવી ડિઝાઇન તૈયાર કરાશે
અત્રે ઉલ્લેખનિય છે કે ટી આકારના ઓવર બ્રિજનો એક છેડો યુનિવર્સિટી કલેક્ટર કચેરી પાસે, બીજો છેડો રેલવે ત્રણ રસ્તા નજીક તેમજ ત્રીજો છેડો કોલેજ ત્રણ રસ્તા પાસે ઉતારવામાં આવનાર છે. તેની જૂની ડિઝાઇનમાં ફેરફાર થઈ શકે છે. અગાઉના લેઆઉટ મુજબ 125 જેટલાં પિલર સૂચિત કરાયા હતા. તેમાં વધઘટ થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.