સિદ્ધપુરમાં બળવંત સિંહ રાજપૂતની જીત:10 વર્ષ બાદ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો; ભાજપ વિજયી બનતા આતશબાજી કરાઈ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના સિદ્ધપુર વિધાનસભા બેઠક પર કૉંગ્રેસ શરૂઆતમાં આગળ હતું, પછી પાછળ રહી ગયું હતું. મતગણતરીની શરૂઆતના તબક્કામાં કૉંગ્રેસ 14 હજાર વોટથી આગળ ચાલી રહ્યું હતું. ત્યારબાદ અંતિમ તબક્કામાં 2,814 મતોથી પાછળ ચાલી રહ્યું હતુ. છેલ્લા 10 વર્ષથી સિદ્ધપુર બેઠક પર કૉંગ્રેસ જીતી રહી હતી, ત્યારે આ વર્ષે ભાજપે કૉંગસને કારમી હાર આપી છે.

ભાજપ ઉમેદવાર બળવંત સિંહ રાજપૂતની જીત
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થયું હતુ. જેનું પરિણામ આજરોજ ગુરૂવારે આવતા ભાજપના ઉમેદવાર બળવંત સિંહ રાજપૂતની જીત થઈ હતી. અંતિમ તબક્કામાં જ્યારે સિદ્ધપુર શહેરના વોટિંગની ગણતરી કરવાની શરૂઆત કરવામાં આવી, ત્યારથી ભાજપે કૉંગ્રેસને પાછળ મુકી દીધુ હતુ. ભાજપની જીત પાછળ સૌથી વધારે જવાબદાર કારણ જો કોઈ હોઇ શકે તો એ સિદ્ધપુર શહેરના મતદારોનો મત છે.

અબીલ-ગુલાલ ઉડાડી સ્વાગત કરાયું
ભાજપની જીત નિશ્ચિત થયા બાદ બળવંત સિંહ રાજપૂત ગોકુલ હોસ્પિટલ આવેલ પોતાના કાર્યાલય ખાતે લોકોનો આભાર વ્યકત કરવા પહોંચ્યા હતા. જ્યા શહેર તેમજ આસપાસના ગામના કાર્યકરો અને શહેરીજનો દ્રારા તેમનું ડીજેના તાલે વાજતે-ગાજતે આતશબાજી કરીને બળવંત સિંહ રાજપૂતને ફુલહાર પહેરાવી અબીલ-ગુલાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બળવંત સિંહ રાજપૂત કાર્યકરો સાથે શહેરના ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકરો સાથે મોઢું મીઠું કરવામાં આવ્યુ હતુ અને હર હર મહાદેવના નાદ સાથે જીતની ખુશી વ્યકત કરી હતી. ત્યારબાદ તેઓ માધુપાવડીયા ઘાટે આવેલ સાઈ બાબા મંદીર, સિઁદ્ધેશ્વર મહાદેવ ખાતે પણ દર્શન કરવા પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...