ખાનગી શાળાઓમાં ધોરણ એકથી આઠ સુધી બાળકોની ફિ ભરવી ન પડે તે માટે વાલીઓએ તેમનું બાળક ગયા વર્ષે ધોરણ એકમાં ભણી ગયું હોવા છતાં આ વખતે આરટીઇ( રાઈટ ટુ એજ્યુકેશન) યોજનામાં ખોટી રીતે ધોરણ એકમાં 28 બાળકોનો પ્રવેશ મેળવ્યો હોવાનું ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે પ્રાથમિક શિક્ષણ તંત્રની તપાસમાં ધ્યાને આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ 28 બાળકોનો પ્રવેશ રદ કરી દીધો છે. ત્યારે અગાઉના વર્ષોમાં પણ શું બાળકોનો આ રીતે ગેરકાયદેસર પ્રવેશ નહીં થયો હોય તેવા સવાલો થયા થઈ રહ્યા છે. ત્યારે તંત્ર આ દિશામાં પણ તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે.
રાઈટ ટુ એજ્યુકેશન યોજના ગરીબ અને આર્થિક રીતે પછાત બાળકોને મફત શિક્ષણ આપવાની સરકારની યોજના છે પરંતુ આરટીઇ ના ઓથાનીચે ખાનગી શાળામાં બાળકોની ફી બચાવવા માટે નું વાલીઓનું કારસ્તાન પાટણ જિલ્લામાં પકડાયું છે. ગત વર્ષે ધોરણ એકમાં અભ્યાસ કર્યો હોવા છતાં આ વર્ષે આરટીઇ યોજના હેઠળ વાલીઓએ તેમના બાળકોના ઓનલાઇન ફોર્મ ભરી ધોરણ એક માં પ્રવેશ મેળવ્યો હોવાનું રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગને ધ્યાને આવતા પ્રાથમિક શિક્ષણ વિભાગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સૂચના આપી હતી જેને પગલે તંત્રની ટીમે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે ચકાસણી કરતા આધાર ડાયસ પરથી અગાઉ ધોરણ એક માં અભ્યાસ કર્યો હોય અને આ વખતે આરટીઇમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા 28 બાળકો મળી આવ્યા છે જે તમામ બાળકોનો પ્રાથમિક શિક્ષણ તંત્રએ પ્રવેશ રદ કરી દીધો છે.
વાલીઓએ વિગતો છુપાવી પ્રવેશ મેળવતા રદ કર્યો:ડીપીઇઓ
ધોરણ એકમાં અભ્યાસ કર્યો હોય તે બાળક આરટીઇમાં ધોરણ એક માં પ્રવેશ મેળવી શકતો નથી છતાં વાલીઓએ તે વિગત છુપાવી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરી આરટીઇમાં પ્રવેશ મેળવી લીધો હતો.પરંતુ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે તપાસ કરતા આધાર ડાયસ સિસ્ટમમાં જે બાળકોના નામ બતાવતા હતા તેવા 28 બાળકોનો પ્રવેશ રદ કરાયો છે તેમ ડીપીઈઓ નેહલભાઈ રાવલે જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.