તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:1074 બાળકોનો ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓ આર્થિક સંક્રમણમાં આવતા ખાનગી શાળાઓની ઊંચી ફીને લઈ બાળકોને સરકારીમાં મોકલવા લાગ્યા

પાટણ જિલ્લામાં કોરોના કાળમાં મધ્યમવર્ગના વાલીઓ ખાનગી શાળાઓના ઊંચી ફી ઉપરાંત થતા અન્ય મોંઘા ખર્ચા મોંઘવારીમાં ન કરી શકતા મજબૂરીએ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. જિલ્લામાં આ વર્ષે નવીન શૈક્ષણિક વર્ષમાં 1074 બાળકોએ ખાનગી શાળા માંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે.

નવીન શૈક્ષણિક વર્ષમાં ધો- 1માં જિલ્લાની 749 શાળાઓમાં અંદાજે 14233 જેટલા બાળકોએ ધોરણ 1માં પ્રવેશ લીધો છે. તો ખાનગી 149 જેટલી શાળામાં 2246 બાળકોએ પ્રવેશ લીધો છે. ખાનગી શાળાઓમાં પણ ઉંચી શિક્ષણ ફી લેવા છતાં શિક્ષણ કાર્ય હાલમાં બંધ હોય વાલીઓ પોતાના બાળકોને ખાનગીમાંથી સરકારી શાળામાં ભણવા માટે પ્રવેશ અપાવે છે.આ વર્ષે જિલ્લામાં ધોરણ 1 થી 8 માં 1074 બાળકોને પોતાના વાલીઓ દ્વારા ખાનગી શાળામાંથી સરકારી શાળામાં અભ્યાસ માટે મોકલ્યા છે.

તાલુકાવાઈઝ સંખ્યા

પાટણ258
ચાણસ્મા138
હારીજ60
સરસ્વતી122
સમી128
રાધનપુર80
સિદ્ધપુર144
શંખેશ્વર34
સાંતલપુર106
કુલ 1074

ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધેલા બાળકના વાલીઓના નિવેદન

ખાનગી શાળાના મોંઘા ખર્ચ નથી પરવડતા
સોમાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મારા બે બાળક ધોરણ 3 અને 7માં ખાનગી શાળામાં હતા. બંનેની 15 હજાર ફી અને બીજો એક્સ્ટ્રા ખર્ચ ખૂબ હતો. આખું વર્ષ ઘરે રહેવા છતાં શાળાએ પૂરી ફી લીધી છે. હાલમાં પૈસાની ભીડ હોય જેથી આ વર્ષે મારા ઘરની નજીકની પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો છે. ફી અને ખર્ચનું ભારણ દૂર થઈ ગયું છે.

ખાનગી શાળાઓ ફી કરતા વધુ બીજો ખર્ચ કરાવે છે
અશોકભાઈ દરજીએ જણાવ્યું હતું કે ખાનગી શાળામાં મારી દીકરી અભ્યાસ કરતી હતી જેની ફી ભર્યા બાદ પણ વર્ષ દરમિયાન અનેક નવા કાર્યક્રમો અને બહારથી મંગાવવામાં આવતી વસ્તુઓનો જ મોંઘો ખર્ચો પડતો હતો. કોરોનામાં હાલ ધંધા ના હોય ખર્ચ કરવા મુશ્કેલ હોય મારી દીકરીને સરકારી શાળામાં પ્રવેશ આપ્યો છે.

ઉચ્ચ શિક્ષણ પદ્ધતિ સાથે વાલીઓમાં આકર્ષણ ઉભુ કરાશે : શિક્ષણ વિભાગ
પ્રાથમિક શિક્ષણ અધિકારી બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વર્ષે કરતા આગામી વર્ષમાં વધુ સંખ્યા સરકારી શાળામાં પ્રવેશ લે માટે સારામાં સારું શિક્ષણ કાર્ય સાથે રમત ગમતની અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે તેમનું ઘડતર થાય અને ઉચ્ચ કક્ષાના શિક્ષકો હોય સારામાં સારું શિક્ષણનું પરિણામ આવે તેવા પ્રયાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...