પાટણ જિલ્લાના ચાણસ્મા હાઇવે રોડ પર કોલેજમાંથી પરીક્ષા આપીને એક્ટીવા લઈને આવી રહેલી વિદ્યાર્થિનીને પૂરઝડપે આવી રહેલા ઈકો ગાડીના ચાલકે ટક્કર મારી હતી. જેથી વિદ્યાર્થિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ બાબતે મળતી હકીકત મુજબ ચાણસ્મા-રૂપપુર હાઇવે માર્ગ પર આવેલી કોલેજમાં બુધવારના રોજ એક્ટિવા લઇને પરીક્ષા આપવા આવેલી બીજલ પ્રજાપતિ ઉંમર વર્ષ 22 કે જેણી ટી એસ આર કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ત્યારે પરીક્ષાનું આજે છેલ્લું પેપર હોય પોતાનું એકટીવા નંબર gj 24 -8081 લઈ ચાણસ્મા ખાતે પરીક્ષા આપવા નીકળી હતી અને પરીક્ષાનું પેપર પૂર્ણ થતા પાટણ ખાતે પરત ફરી રહી હતી.
આ દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલા ઈકોગાડીના ચાલકે વિદ્યાર્થિનીને ટક્કર મારતા ઘટના સ્થળે જ વિદ્યાર્થિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તેમજ પરિવારજનોને જાણ થતા સમગ્ર પરીવારજનો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.
આ અકસ્માતના પગલે પરિવારજનો ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો ઘટના સ્થળે સર્જાયા હતા. આ ઘટનાની જાણ ચાણસ્મા પોલીસને થતાં લાશનું પંચનામું કરી પીએમ ખાતે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ ચાણસ્મા પોલીસે હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.