પુરૂષાર્થ:પાટણમાં રહેતો યુવક ગૃહઉદ્યોગ અને 3 મહિના શેરડીનું કોલુ ચલાવી પિતાને મદદરૂપ બન્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોટલ મેનેજમેન્ટ કર્યા પછી અમદાવાદની ફોર સ્ટાર હોટલમાં જોબ છોડી દીધી

રોજગારી માટે પુરુષાર્થ કરવો અગત્યનો છે અને તેમાં નાનો ધંધો હોય તો પણ શરમ ન હોવી જોઈએ. આ શબ્દો પાટણમાં શેરડી રસ સેન્ટર ચલાવતા 25 વર્ષીય યુવા વિશાલ તારાચંદ ગુપ્તાના છે, જેણે હોટલ મેનેજમેન્ટ કોર્સ કર્યા પછી ફોર સ્ટાર હોટલમાં જોબ છોડીને રોજગાર ધંધામાં કારકિર્દી બનાવવા ઝંપલાવ્યું છે.

મુળ મધ્યપ્રદેશના વતની વિશાલ તારાચંદ ગુપ્તાના દાદા અમદાવાદ ખાતે રેલવેમાં કુલી તરીકે કામ કરતા હતા. તારાચંદજી અમદાવાદ ખાતે તેમના ભાઇઓ સાથે રસગુલ્લા બનાવવાનું કામ શીખ્યા હતા. તેઓને પાટણ આવવાનું થતાં અહીં જ સ્થાયી થઈ ગયા. છેલ્લા 50 વર્ષથી તેમનો પરિવાર પાટણ રહે છે. શિયાળામાં રસગુલ્લાનો વ્યવસાય પિતા અને બંને પુત્ર સાથે મળી કરે છે. ઉનાળામાં 3 માસ વિશાલ શેરડી રસનું કોલુ ચલાવે છે. વિશાલે ધોરણ 12 પછી હોટલ મેનેજમેન્ટનો ડિપ્લોમા કોર્સ કર્યો છે તે પછી ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં ઇંગ્લિશ મીડિયમમાં સ્નાતક થયો.

અભ્યાસ પછી અમદાવાદ ખાતે ITC ગ્રુપની ફોર સ્ટાર હોટલમાં દોઢ વર્ષ ટ્રેઈની તરીકે કામ કર્યું હતું. પરંતુ તેને નોકરીમાં ફાવટ ન આવી તેને ધંધા-રોજગારમાં કારકિર્દી બનાવવી છે. પરિવારની આર્થિક સ્થિતિ ન હોવાના કારણે વિદેશમાં ન જઈ શક્યો. તે પાટણમાં તેના પિતાના રસગુલ્લા બનાવવાના ગૃહ ઉદ્યોગમાં મદદરૂપ બને છે અને ઉત્તર ગુજરાતમાં મોટા સેન્ટરોમાં સપ્લાય કરે છે. ઉનાળામાં રસગુલ્લા બનાવી શકાતા ન હોવાથી શેરડી રસનું કોલું ચલાવીને 3 માસમાં રૂપિયા 5થી 7 લાખ જેટલી રોજગારી મેળવી લે છે.

નોકરીની આશા રાખીને બેરોજગાર બેસી ન રહેવું જોઈએ
વિશાલે કહ્યું કે નોકરીની આશા રાખીને બેરોજગાર બેસી ન રહેવું જોઈએ અને કોઈ પણ વ્યવસાય નાનો નથી હોતો .તેનાથી પ્રતિષ્ઠા ઝંખવાતી નથી. હું ભણેલો ગણેલો થઈને આવો ધંધો કેમ કરૂં તેવી માનસિકતા ન રાખવી જોઈએ. સારા રોજગાર ધંધાનું સપનું જોઇએ પરંતુ સપનામાં ખોવાઈને બેસી રહેવું બિલકુલ બરાબર નથી.

અન્ય સમાચારો પણ છે...