પાટણમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ મોતને વહાલું કરી દીધું છે. પરિવારની વિરુદ્ધમાં જઇને પ્રેમલગ્ન કર્યા બાદ આખરે પરિણીતાને મોતનો મારગ પકડવો પડ્યો.. લગ્નના અમુક મહિના સાસરિયાઓએ સારું રાખ્યું બાદ હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે પરિણીતાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હતી. પ્રેમલગ્નના લીધે પિયરમાં પણ ખાસ કહી શકતી નહોતી. આ વચ્ચે પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો, જે બાદ તો પતિએ પરિણીતાને હેરાન કરવાની હદ વટાવી હતી. જેથી કંટાળીને પરિણીતાએ ઝેર પી લીધું હતું. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન એણે માતાને આવું પગલું ભર્યું હોવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, 'હું મારા પતિથી કંટાળી ગઇ છું, હવે મારાથી સહન થાય એમ નથી.. જેથી મેં ઝેર પી લીધું છે.' જોકે, માતા ઘરે પરત ફર્યા બાદ ફરી હોસ્પિટલથી દીકરીની તબિયત વધુ બગડી હોવાના અને તેને ધારપુર ખસેડી હોવાના સમાચાર મળ્યા હતા. માતા ત્યાં પહોંચી પણ ત્યાં સુધી દીકરીનું પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. જેથી દીકરીને મરવા મજબૂર કરી હોવાના જમાઇ પર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પરિવાર વિરુદ્ધ જઇને પ્રેમલગ્ન કર્યાં હતાં
મૃતક પરિણીતાની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની દીકરી હીનાએ ચાર વર્ષ અગાઉ પાટણ શહેરના મોટીસરા, પીપળાગેટ નજીક રહેતા સંજય સોલંકી સાથે પરિવારની વિરુદ્ધમાં જઇને પ્રેમલગ્ન કર્યાં હતાં. પ્રેમલગ્ન બાદ બંને પરિવાર વચ્ચે અણબનાવ હતો. એકબીજા પરિવાર વચ્ચે બોલવાના સંબંધ ન હોવાથી સાસરિયાં મેણાંટોણાં મારતાં હતાં અને મારઝૂડ પણ કરતાં હતાં. આ વચ્ચે હીનાએ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મબાદ એકબીજા પરિવાર વચ્ચે સમાધાન થઇ ગયું હતું.
પતિ કામ-ધંધો ન કરતો હોવાથી પરિણીતા નોકરી કરતી
પુત્રના જન્મ બાદ સંજય કામધંધો કરવાનું બંધ કરી રખડપટ્ટી કરતો હતો, જેથી ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. જેથી મારી દીકરીએ એક ખાનગી ગાયનેક હોસ્પિટલમાં નોકરી શરૂ કરી હતી. નોકરી પર કામ હોવાથી જો આવવા-જવામાં વહેલા-મોડું થાય કે ફોન ન ઉપાડે તો શંકા કરી જમાઇ સંજય મારઝૂડ કરતો હતો. આ વાત હીના ઘણીવાર ઘરે આવીને પણ કરતી પણ એનો સંસાર ન બગડે અને પુત્રનું ભવિષ્ય ન બગડે તેથી અમે હીનાને સમજાવતા અને દિલાસો આપતા. આવું એક-બે વાર નહીં પણ ઘણીવાર થયું છે.
દીકરીએ માતાને હોસ્પિટલમાં આત્મહત્યા કરવાનું કારણ જણાવ્યું હતું
આ દરમિયાન ગયા વર્ષે વધારે પડતી મારઝૂડ કરતાં હીના પિયર આવી ગઇ હતી અને અમે જમાઇ વિરુદ્ધ ભરણપોષણની અરજી કોર્ટમાં કરી હતી. જેથી જમાઇએ આવીને આજીજી કરતાં સમાધાન કર્યું હતું. ત્યારબાદ થોડો સમય સારું રાખીને ફરી હતું એનું એ જ થવા લાગ્યું પણ મારી દીકરી બઘું મૂંગા મોઢે સહન કરતી હતી. આ વચ્ચે મને ગઇકાલે જમાઇનો ફોન આવ્યો કે, તમારું એક્ટિવા આપો તમારી દીકરી બીમાર થઇ છે એને હોસ્પિટલ લઇ જવી છે. જેથી મેં છોકરાને એક્ટિવા આપવા મોકલ્યો હતો અને બાદમાં હું પણ હોસ્પિટલ ગઇ હતી. જ્યાં મારી દીકરીએ મને જણાવેલું કે, 'હું મારા પતિથી કંટાળી ગઇ છું, હવે મારાથી સહન થાય એમ નથી.. તેથી મેં ઝેર પી લીધું છે.' ત્યારબાદ હું ઘરે પરત ફરી હતી. જોકે, ત્યારબાદ ફરી જમાઇનો મને ફોન આવ્યો કે વધારે તબિયત ખરાબ થઇ હોવાથી ધારપુર સિવિલ લઇ ગયા છીએ. જેથી હું ધારપુર સિવિલ પહોંચી હતી. જ્યાં મારી દીકરી બેભાન હતી. બાદમાં તે મરણ પામી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું... આમ માતાએ દીકરીને મરવા મજબુર કરી હોવાના આક્ષેપ સાથે જમાઇ સંજય સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.