મતદાન જાગૃતિ:પાટણમાં આયોજીત લોકઅદાલતમાં આજે 'અવસર કેમ્પેઈન' અંતર્ગત મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર કર્યા બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાટણ જિલ્લામાં તા.5.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રચાર-પ્રસાર કરી રહ્યું છે. ગામે-ગામે જઈને વહીવટીતંત્ર દ્વારા ભવાઈ, સેલ્ફી પોઈન્ટ, રંગોળી વગેરે સ્વરૂપે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજરોજ અવસર કેમ્પેઇન અંતર્ગત પાટણ જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટની રાષ્ટ્રીય લોકઅદાલતમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકામાંથી આવેલા લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યાં હતા.

રાજ્યભરમાં લોકશાહીનો અવસર ઉજવવા માટે સૌ કોઈ તૈયાર છે. દરેક જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ માધ્યમો થકી સતત પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.પાટણ જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટની રાષ્ટ્રીય લોકઅદાલતમાં આજરોજ અવસર કેમ્પેઈન અંતર્ગત મતદાન જાગૃતિ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ક્રાયક્રમમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં જેઓના કેસ ચાલી રહ્યા છે તેવા તમામ લોકોને આજે મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યાં. મતદાનનું શુ મહત્વ છે, તેની પ્રક્રિયા શુ છે, તેનાથી શુ ફાયદો થાય તેવી તમામ બાબતની આજે લોકોને વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી.

તમામ જાણકારી પ્રાપ્ત કરીને લોકોએ આત્મસંતોષ વ્યક્ત કરીને મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા માટેના શપથ પણ લીધા હતા. રાષ્ટ્રીય લોકઅદાલતમાં ઉપસ્થિત તમામ લોકોને શપશ વિધિનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. લોકઅદાલતમાં સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યાં હતા જ્યાં લોકોએ ફોટોગ્રાફ પણ લીધા હતા.

આ વર્ષે લોકશાહીના આ મહાપર્વમાં છેવાડાનો માનવી પણ સહભાગી બને તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મતપત્ર દ્વારા શારીરિક રીતે અસક્ષમ વયોવૃદ્ધ લોકો તેમજ દિવ્યાંગો માટે મત આપવાની વ્યવસ્થા કરવાનો સરાહનીય નિર્ણય હોય કે પછી નાના-નાના મેડીકલ સ્ટોર્સ અને દૂધ મંડળીઓ પર મતદાન અંગેના સ્ટીકર્સ આપીને પ્રચાર-પ્રસાર કરવાનો નિર્ણય હોય, આ તમામ પ્રયત્નો થકી વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટીબદ્ધ છે.

આજરોજ રાષ્ટ્રીય લોકઅદાલતમાં આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, નાયબ કલેક્ટર અને નોડલ ઓફિસર સંજય ચૌધરી, નાયબ માહિતી નિયામક અને નોડલ ઓફિસર મિડીયા કુલદીપ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી બી.પી.પટેલ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નેહલકુમાર રાવલે ઉપસ્થિત રહીને લોકઅદાલતમાં આવેલા લોકોને મતદાન કરવા માટે અને લોકશાહીના આ અવસરમાં સહભાગી બનવા માટે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...